રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે મહિલા આરક્ષણ બિલ એટલે કે નારી શક્તિ વંદન એક્ટને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરીથી હવે તે કાયદો બની ગયો છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા વિશેષ સત્ર દરમિયાન મોદી સરકાર દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ખરડા પર ચર્ચા કર્યા બાદ તેને બંને ગૃહોની મંજૂરી મળી હતી, ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યુ હતું. બિલમાં મહિલાઓને લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે.
https://twitter.com/ani_digital/status/1707732088101945784/photo/1
સંસદ દ્વારા પસાર કરાયેલ મહિલા અનામત બિલને રાષ્ટ્રપતિને મોકલતા પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. લોકસભાની જેમ જ રાજ્યસભામાં વિશેષ સત્ર દરમિયાન આ બંધારણ સંશોધન બિલ લગભગ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ પણ આ બિલ ઘણી વખત સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પછી રાજકીય પક્ષો વચ્ચે સહમતિ બની શકી ન હતી.
મહિલા આરક્ષણ બિલને ચોક્કસપણે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, પરંતુ આ કાયદો અમલમાં આવતા સમય લાગશે કારણ કે આગામી વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોની સીમાંકન કરવામાં આવશે, ત્યારબાદ જ અનામતની પ્રક્રિયા આગળ વધશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાયદો 2029માં અમલમાં આવી શકે છે.