રામમંદિર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. લગભગ દર અઠવાડિયે નિર્માણ કાર્યની માહિતી આપવા માટે તસવીરો શેર કરવામાં આવે છે અને સમયાંતરે રામમંદિર નિર્માણ સમિતિની બેઠકો પણ યોજવામાં આવે છે જેમાં નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવે છે. હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણની નવી તસવીરો શેર કરી છે. રામમંદિરના ગર્ભગૃહનું કાર્ય અંતિમ ચરણમાં છે. પહેલા માળે પિલરનું લગભગ 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. નવેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. ડિસેમ્બર સુધીમાં પહેલો માળ પૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જાન્યુઆરીમાં રામલલા ગર્ભગૃહમાં વિરાજમાન થશે.
આગામી 100 દિવસમાં રામમંદિર ઉદ્ઘાટન માટે તૈયાર થઇ જશે. શ્રીરામ મંદિર નિર્માણ સમિતિએ મંદિર અને મંદિર સાથે જોડાયેલા કાર્યોની સમય સીમા નક્કી કરી દીધી છે. મંદિર નિર્માણમાં મજૂરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આશરે 3,000 મજૂરો નિર્માણ કાર્યમાં લાગેલા છે. તમામ કાર્યોને 10 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાની યોજના છે.
રામમંદિરનું ગર્ભગૃહ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સંપૂર્ણ રીતે તૈયાર કરવા પર વધુ ભાર આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભક્તો માટે સુવિધાઓ વિકસિત કરવાને લઈને પ્રશાસન હવે કડક થઇ ગયું છે. 100 દિવસમાં રામમંદિર અને અન્ય યાત્રી સુવિધાઓ વિકસાવવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
મંદિર સાથે યાત્રી સુવિધા કેન્દ્ર, પાર્કિંગ, શ્રીરામ જન્મભૂમિ પથ, ઓવરબ્રિજ વગેરે સુવિધાઓ પણ 100 દિવસમાં પૂરી કરવાની તૈયારી છે. જેના માટે દર 15 દિવસે મિટિંગ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ મંદિર નિર્માણ સમિતિ અને ટ્રસ્ટના અધિકારીઓ સાથે સંકલન કરીને યોજનાઓની સમીક્ષા અને નિરીક્ષણ કરશે.