‘MP અજબ છે, MP ગજબ છે’. મધ્યપ્રદેશ અંગે આ ટેગલાઈન ખૂબ જ પ્રચલિત છે. ગત દિવસોમાં ભિંડમાં જે થયું તેને જોઈને આ લાઈન એકદમ યોગ્ય લાગે છે. ખરેખર ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો જથ્થો જ પતી ગયો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોરોના વેક્સિન આપી હોવાના સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાનું ચાલુ રખાયું.
આ ઘટનાની માહિતી જ્યારે અધિકારીઓને મળી તો હોબાળો મચી ગયો. ઉતાવળે ભિંડથી લઈને ભોપાલ સુધી દોડધામ મચી ગઇ અને તપાસનો દોર શરૂ થયો. ખાસ વાત એ છે કે આ લાપરવાહીનો ખુલાસો ત્યારે થયો જ્યારે 30મેના રોજ એક વ્યક્તિ તેનો કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ લેવા માટે જિલ્લા મુખ્યમથક પર સીએમએચઓના કાર્યાલયે પહોંચ્યો.
આ દરમિયાન જ્યારે કાર્યાલયમાં અધિકારીએ આઈડીથી લોગિન કરવાનો પ્રયાસ કર્યો તો તેમને ખબર પડી કે સોનીમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્ર પર કોરોના વેક્સિનેશન વગર જ લોકોને ફેક રીતે સર્ટિફિકેટ જારી કરાઈ રહ્યા છે. જોકે સોનીના સ્વાસ્થ્ય કેન્દ્રએ ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો એક પણ ડૉઝ ઉપલબ્ધ જ નથી. એવામાં વેક્સિન વગર કોરોના વેક્સિન સર્ટિફિકેટ કઈ રીતે ઈશ્યૂ કરાઈ રહ્યા હતા.
જોકે અચરજ પમાડતી વાત એ છે કે જે લોકોને કોરોના વેક્સિનેશનના સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે તે મધ્યપ્રદેશની બહારના છે. આ મામલે જાણકારી મળ્યા બાદ એક સમિતિની રચના કરાઈ હતી જે આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે કલેક્ટર ડૉ. સતીશ કુમારે કહ્યું કે જે પણ દોષિત ઠરશે તેને છોડીશું નહીં, કડક કાર્યવાહી કરીશું.