કેરળ હાઇકોર્ટે છૂટાછેડાના એક મામલામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે મહિલાઓ સાસુ કે માતાની ગુલામ નથી, આ વર્ષ ૨૦૨૩ ચાલી રહ્યું છે. આ સાથે જ હાઇકોર્ટે ફેમેલી કોર્ટ દ્વારા કરાયેલી પિતૃસત્તાત્મક ટિપ્પણીઓની પણ મૌખિક રીતે ટિકા કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં ફેમેલી કોર્ટ દ્વારા જે આદેશ અપાયો છે તે પરેશાન કરનારો અને પિતૃસત્તાત્મક છે. આ ૨૦૨૩નું વર્ષ ચાલી રહ્યું છે, જમાનો બદલાઇ ગયો છે, હવે પહેલા જેવુ નથી રહ્યું. મહિલાઓ પોતાની સાસુ કે માતાની ગુલામ નથી. ફેમેલી કોર્ટે એક મામલામાં મહિલાને પોતાની સાસુ અને માના આદેશોનું પાલન કરવા માટે કહ્યું હતું. જેને કારણે હાઇકોર્ટ ભડકી હતી અને ફેમેલી કોર્ટના આ પ્રકારના આદેશને પિતૃસત્તાત્મક અને વાંધાજનક ગણાવ્યો હતો.
કેરળ હાઇકોર્ટમાં જ્યારે છૂટાછેડાના એક કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે પતિના વકીલે હાઇકોર્ટને કહ્યું હતું કે ત્રિશૂર વિસ્તારની ફેમેલી કોર્ટે અરજદાર પતિના પત્નીને આદેશ આપ્યો છે કે તે પોતાની માતા અને સાસુના આદેશોનું પાલન કરે. ફેમેલી કોર્ટના આ આદેશની ગંભીરતાથી નોંધ લઇને હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે કોઇ પણ મહિલા પોતાની સાસુના આદેશોનું પાલન કરવા માટે બંધાયેલી નથી, આ ૨૦૨૩નુ વર્ષ ચાલી રહ્યું છે. મહિલાઓ સાસુઓની ગુલામ નથી. મહિલાને તેની સાસુ કે માતાથી નીચી ગણવામાં ન આવે.
હાઇકોર્ટના ન્યાયાધીશ દેવન રામચંદ્રને કહ્યું હતું કે આવા પારીવારીક વિવાદોનો નિકાલ કોર્ટની બહાર પણ લાવી શકાય, જોકે તેમાં મહિલાની સહમતી હોવી પણ જરૂરી છે, મહિલાની પાસે પણ પોતાનુ દિમાગ હોય છે, શું તમે તેને બળજબરીથી કઇ પણ પાલન કરવા માટે મજબૂર કરશો? તેને બાંધીને રાખશો? સમજુતી કરવા માટે તેના પર દબાણ ના કરી શકાય. તેની પોતાની ઇચ્છા પણ જરૂરી છે. પતિને ટકોર કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે તમે મહિલાને દબાણ પૂર્વક તમારુ કહ્યું કરવા માટે મજબૂર કરવા માગો છો અને એટલે જે તમારી પત્ની તમારાથી છૂટા થવા માગે છે. કેરળની ત્રિશૂર ફેમેલી કોર્ટમાં પત્ની દ્વારા છૂટાછેડાની એક અરજી કરવામાં આવી હતી. જોકે તેને નકારવામાં આવી હતી.