અમદાવાદની હાજારામની પોળમાં ૬૦૦ વર્ષ કરતાં પણ જુનું રામજી મંદિર આવેલું છે. આ મંદિર અમદાવાદ હેરીટેજમાં સ્થાન ધરાવે છે. અહિં ભગવાન શ્રી રામની કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલી મુર્તિ બિરાજમાન છે. આ મંદિરની વિશેષતા કંઈક એવી છે કે વનવાસ દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામ ચિત્રકુટ ગયા હતા ત્યારે ત્રિકાળ સંધ્યા કરતાં તેવી મુદ્રામાં અહીં બિરાજે છે. સોનું ચકાસવા માટે જે કાળા કલરના કસોટી પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે તે પથ્થરમાંથી ભગવાન શ્રી રામની મુર્તિ બનાવવામાં આવી છે. જે પદ્માસનમાં બિરાજમાન છે. પેશ્વાકાળના આ મંદિરને ત્રણ નામથી ઓળખવામાં આવે છે.
અમદાવાદના હેરીટેજ વિસ્તારમાં આવેલી હાજારામની પોળમાં આવેલા મંદિરમાં બિરાજમાન રામલ્લાની જેટલી વિશેષતા છે તેટલી જ વિશેષતા આ મંદિર અને તેના બાંધકામની છે. સાંકડી પોળમાં આવેલા આ મંદિરનું બાંધકામ વર્ષો જૂનું છે. મંદિર મુખ્યદ્વારથી પણ જોઈ શકાતુ નથી. પેશ્વાકાળ દરમિયાન મુગલો મંદિરોને ધ્વસ્ત કરતા હતા ત્યારે તેનાથી બચાવવા માટે આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. મુખ્યદ્વારથી સામાન્ય મકાન જેવું દેખાતુ શ્રી રામજીનું આ મંદિર ઘરમાં ગયા પછી જ દર્શનીય છે. હેરીટેજ સાઈટ પર આવેલા આ પૌરાણિક મંદિરમાં દર્શન કરવા પ્રવાસીઓ પણ આવે છે.
૬૦૦ વર્ષ કરતાં પણ જૂના આ કાલુરામ મંદિરને ઘર મંદિર પણ કહેવામાં આવે છે કારણકે આ મંદિર નાનકડી પોળમાં ઘર જેવા જ બાંધકામમાં બનાવવામાં આવેલું છે. અહીં પૂજા કરતા પુજારી પરિવાર પેઢીઓતી સેવા પૂજા કરે છે. ભગવાન શ્રીરામની દરરોજ વિવિધ પૂજા વિધિ કરવામાં આવે છે પેઢી દરપેઢીથી પૂજા કરતા પૂજારી પરિવારના યુવાનો પણ ભગવાનની સેવા પૂજા કરી જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે.
પૌરાણિક મંદિરમાં બિરાજમાન શ્રી રામલ્લાની મુર્તિ દિવ્ય દર્શનીય છે ભગવાન શ્રી રામ જાણે સાક્ષાત બેઠા હોય તેવી અનુભૂતિ થાય છે. પોળમાં રહેતા ભક્તો અહીં રોજે દર્શન માટે આવે છે અને તેમની જે કોઈ મનોકામના હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરે છે અને ભગવાન પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વર્ષોથી નિયમિત દર્શને આવતા ભાવિકોની શ્રીરામજી સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે અને એટલે જ મંદિરે આવતા ભાવિકો રામલલ્લાના દર્શન કરી ભાવુક થઈ જાય છે અને ભગવાનનો આભાર વ્યક્ત કરે છે.
અમદાવાદની હાજારામની પોળમાં આવેલા ભગવાન શ્રી રામના મંદિરમાં દર્શને આવતા ભક્તો પર સદાય ભગવાન શ્રીરામના આશીર્વાદ રહે છે. પૌરાણિક મંદિરના બાંધકામને જોઈને અનુભવી શકાય કે તે કેટલુ જૂનું હશે વર્ષો જુના આ મંદિરના કપાટ ચાંદીથી મઢવામાં આવ્યા છે. દરવાજા, દીવાલો અને પીલ્લર પર સુંદર નકશીકામ કરવામાં આવેલુ છે જેની સુંદરતા ભૂતકાળની ભવ્યતાને ઉજાગર કરે છે.