ફાઈન આર્ટસના વિવિધ વિભાગોના લગભગ 115 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી વિવિધ પ્રકારની 1000થી વધારે કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રજૂ કરાઈ છે. ગયા વર્ષે કુંદન કુમાર નામના વિદ્યાર્થીની કલાકૃતિને લઈને થયેલા વિવાદના કારણે પ્રદર્શન યોજાયુ નહોતુ. આમ બે વર્ષ બાદ આ પ્રદર્શન યોજાઈ રહ્યુ છે. આ વખતે કોઈ પણ પ્રકારનો વિવાદ ના સર્જાય તે માટે સત્તાધીશોએ પરીક્ષાની કામગીરી દરમિયાન કલાકૃતિઓની ચકાસણી કરવા માટે એકની જગ્યાએ ચાર જ્યૂરી બનાવી હતી.
પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા, પુરુષ પ્રધાન સમાજ, ગામડાની લુપ્ત થતી સંસ્કૃતિ, પર્યાવરણ જેવા વિવિધ વિષયો પર કલાકૃતિઓનુ સર્જન કર્યુ છે. સુગરીના માળાનુ માટી વડે શિલ્પ બનાવનાર સુભાષ સાહુ ઓરિસ્સાનો છે. તેણે કહ્યુ હતુ કે,અમારા ગામની આસપાસ તાડના પુષ્કળ ઝાડ હતા અને ત્યાં પક્ષીઓ માળા બનાવતા હતા.આ જ માળાને મેં કલાકૃતિ સ્વરુપે રજૂ કર્યા છે.
તો વિષ્ણુ પિલ્લાઈ નામના પેઈન્ટિંગના વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. ઉપરાંત સોશિયલ મીડિયા એકલતા દુર નથી કરતુ પણ ઉલટાનુ વધારે છે તે પ્રકારનો સંદેશ મેં મારા પેઈન્ટિંગ્સમાં આપ્યો છે.
ગત વર્ષે જેના કારણે વિવાદ સર્જાયો હતો તે કુંદન કુમારને યુનિવર્સિટીએ રસ્ટિકેટ કર્યો હતો. હાઈકોર્ટે આપેલા આદેશ બાદ યુનિવર્સિટી દ્વારા તેને ફરી એડમિશન અપાયુ છે અને આ વર્ષે તેણે ફરી પરીક્ષા આપી છે. તેની કલાકૃતિઓ પણ એન્યુઅલ ડિસ્પ્લેમાં રજૂ કરવામાં આવી છે.