ઉત્તર કોરિયા સાથે શસ્ત્ર-સોદા નહીં કરવાની અમેરિકાએ (બાયડને) આપેલી ધમકી પછી રશિયાએ બદલો લીધો છે. રશિયા સ્થિત અમેરિકી દૂતાવાસના બે અધિકારીઓને પર્સોના-નોન-ગ્રેટા (અનિચ્છનીય વ્યકિતઓ) જાહેર કરી સાત દિવસમાં દેશ છોડી દેવા કહ્યું છે. અમેરિકાની ધમકી પછી ૨૪ કલાક પણ વીત્યા નહીં ત્યાં જ રશિયાએ લીધેલું આ પગલું દર્શાવે છે કે વૈશ્વિક પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે.
રશિયાનાં વિદેશ મંત્રાલયે ગુરુવારે અમેરિકાના દૂતાવાસના બે રાજદ્વારીઓ પ્રથમ સચિવ જેદ્ર સીલીન અને દ્વિતીય સચિવ ડેવિન બર્નસ્ટીન, વ્લાદીવોસ્કોતમાં અમેરિકી ઉપર દૂતાવાસના એક પૂર્વ કર્મચારીનાં સંપર્કમાં રહ્યા હતા. જેને આ વર્ષના પ્રારંભે ગિરફતાર કરવામાં આવ્યો હતો. તે પૂર્વ કર્મચારી ઉપર યુક્રેનમાં રશિયન સૈન્યની કાર્યવાહી તથા સંબંધિત મુદ્દાઓ વિષે અમેરિકી રાજદ્વારીઓ માટે માહિતી એકત્રિત કરવાનો આરોપ હતો.
ઉ.કોરિયા સાથે શસ્ત્ર-સોદો ન કરવા અમેરિકાએ આપેલી ચેતવણી પછી રશિયન વિદેશ મંત્રાલયે અમેરિકાના રાજદૂત લીન ટ્રેસીને ગુરુવારે જ બોલાવી તેમને જણાવ્યું કે તેમના બે અધિકારીઓ, સિલિન તથા બર્નસ્ટીનને અવાંછિત વ્યકિતઓ તરીકે અમે જાહેર કરીએ છીએ. તેમને ૭ દિવસમાં રશિયા છોડી દેવા કહેવામાં આવે છે.
આ સામે અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે તેનો યોગ્ય જવાબ આપીશું.
દરમિયાન સ્લોવાકીયાએ ગુરુવારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન કરવા માટે દેશના પાટનગર બ્રાતિસ્વાલા સ્થિત રશિયન એમ્બસીના એક રાજદ્વારીને ૪૮ કલાકમાં દેશ છોડી દેવા અમે આદેશ આપીએ છીએ.
ટૂંકમાં અમેરિકાના રશિયા સાથેના સંબંધો બગડતા જાય છે. ચીન સાથે તો તેના સંબંધો બગડેલા જ છે. ઉ.કોરિયા સાથે તો યુએસને સંબંધો જ નથી. તેમાં આવી ઘટનાઓ દર્શાવે છે કે, વૈશ્વિક પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે.