ગણેશ બારૈયા ઘણી બધી મુશ્કેલીઓને પાર પાડી વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. ત્રણ ફૂટના ગણેશે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઈનકાર કરાયો હતો. જો કે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા, જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો. આ જ હિંમત અને જુસ્સાને પગલે આજે ગણેશ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે.
મેડિકલમાં એડમિશન લેવા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી
કદમાં નાના હોવાના લીધે અગાઉ ગણેશે મેડિકલમાં એડમિશન લેવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રવેશ પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરાયો હતો, પણ ગણેશે હાર ન માની. છેવટે તેમનો સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. જ્યાં સાચને નહિ આંચ આ કહેવતને ચરિતાર્થ કરી સુપ્રીમ કોર્ટે પણ તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં 87% મેળવ્યા
તળાજાના ગોરખી ગામે રહેતા અને ખેતી મજૂરી કરતા વિઠ્ઠલભાઈ બારૈયાના પુત્ર ગણેશ બારૈયાને કુદરતે શારીરિક ખોડ આપી હતી. ઉંમર સાથે તેની ઉંચાઈ અને વજનનો વિકાસ થયો ન હતો. તેમ છતાં મક્કમ મનના માનવીની જેમ ગણેશ બારૈયાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે તળાજાની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. ગણેશ બારૈયા ધો.૯માં હતો. ત્યારે જ તેના સ્વપ્ના આભને આંબવાના હતા. તેણે તબીબ બનવાની નેમ સાથે આગળનો અભ્યાસ શરૃ કર્યો જેમાં નિલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ પૂર્ણ સહકાર આપી તેજસ્વી વિદ્યાર્થી ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો. જુસ્સા અને ધગશને કારણે માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાએ ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરિક્ષામાં 87% મેળવી એમબીબીએસના દિવ્યાંગ ક્વૉટામાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો હતો.
MBBSમાં પ્રવેશ ન આપતા છેક સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા
રાજ્ય સરકારે માત્ર તેની હાઈટ અને વિકલાંગતાને કારણે પ્રવેશ આપવામાં નનૈયો ભણ્યો હતો. જેથી તેમને ડૉક્ટર બનાવનું તેમનું સપનું તૂટી ગયાનો અહેસાસ થયા હતો. જો કે, પરિવાર અને અન્ય લોકોના સાથ સહકારથી ગણેશ બારૈયાએ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત ચલાવી હતી અને છેવટે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ત્રણ ફૂટ અને 18 કિલો વજનના ગણેશને આખરે ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો હતો.