ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારત માટે રમતગમતમાં યાદગાર રહ્યું છે. દેશને ત્રણ અલગ-અલગ રમતોની મુખ્ય ટુર્નામેન્ટમાં ત્રણ અલગ-અલગ મેડલ મળ્યા. જેના કારણે રાષ્ટ્રીય ખેલ દિવસ ખાસ બન્યો છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે ખેલ દિવસ ઉજવવામાં આવે છે. ધ્યાનચંદની 118મી જન્મજયંતિ પહેલા જેવલીન થ્રોવર નીરજ ચોપરા, યુવા ચેસ સ્ટાર પ્રજ્ઞાનાનંદા અને બેડમિંટનના અનુભવી એચએસ પ્રણોયે શાનદાર પ્રદર્શન બતાવી દેશને એક અઠવાડિયામાં ખેલ દિવસ ઉજવવાની તક આપી હતી.
નીરજે રચ્યો ઈતિહાસ
ભારતના ગોલ્ડન બોય તરીકે ઓળખાતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કમાલ કરી બતાવ્યું હતું. તેણે 27 ઓગસ્ટે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. નીરજે જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર દેશનો પ્રથમ એથ્લેટ બન્યો હતો. નીરજે બુડાપેસ્ટ નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે 88.17 મીટરના થ્રો સાથે જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનેલા આ ખેલાડીએ આ ટુર્નામેન્ટ પહેલા માત્ર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેલડ જીત્યો ન હતો, પરંતુ હવે તેની પાસે ગોલ્ડ મેડલ છે. ગત વખતે નીરજે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
પ્રજ્ઞાનાનંદાએ 18 વર્ષની ઉંમરે સિલ્વર જીત્યો હતો
24 ઓગસ્ટે 18 વર્ષીય ચેસ પ્લેયર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ સૌના દિલ જીતી લીધા હતા. તેણે ચેસ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં તે વિશ્વના નંબર 1 નોર્વેના મેગ્નસ કાર્લસન સામે ભલે હારી ગયો હોય, પરંતુ તેણે આશા વ્યક્ત કરી છે કે તે ભવિષ્યમાં ઘણી વખત આ ટુર્નામેન્ટ જીતી શકશે. ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા પછી, પ્રજ્ઞાનાનંદા કેન્ડિડેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરનાર અનુભવી બોબી ફિશર અને કાર્લસન પછી ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
ત્રણ વર્ષની ઉંમરે ચેસ રમવાનું કર્યું હતું શરુ
પ્રજ્ઞાનાનંદા 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. તેનો જન્મ 10 ઓગસ્ટ 2005ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેણે ત્રણ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરુ કર્યું હતું. પ્રજ્ઞાનાનંદાના પિતા રમેશબાબુ બેંકમાં નોકરી કરે છે. પોલિયોથી પીડિત હોવા છતાં, તેમણે હિંમત હારી નહીં અને બાળકોનું સારી રીતે પાલન-પોષણ કર્યું. પ્રજ્ઞાનાનંદાની મોટી બહેન વૈશાલીને પણ ચેસ રમવું ગમતું અને તેને જોયા પછી જ પ્રજ્ઞાનાનંદાએ ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેની માતા દરેક પ્રવાસમાં તેની સાથે હોય છે. પરિવાર અને પ્રેમે તેને આજે આખી દુનિયામાં પ્રખ્યાત કર્યો છે.
એચએસ પ્રણોયનો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પહેલો મેડલ
ભારતના અનુભવી બેડમિંટન ખેલાડી એચએસ પ્રણોયે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2023માં સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં પહોંચી શક્યો ન હતો. 26 ઓગસ્ટના રોજ રમાયેલી સેમિફાઇનલમાં, તે થાઇલેન્ડના કુનલાવત વિતિદસર્ન સામે હારી ગયો હતો. આ હાર બાદ પણ પ્રણોયે બ્રોન્ઝ જીત્યો હતો. પ્રણોય પ્રથમ વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં મેડલ જીતવામાં સફળ રહ્યો છે.
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર પાંચમો ભારતીય
પ્રણોય વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર પાંચમો ભારતીય મેન્સ સિંગલ ખેલાડી બન્યો છે. આ પહેલા કિદામ્બી શ્રીકાંત (સિલ્વર), લક્ષ્ય સેન (બ્રોન્ઝ), બી સાઈ પ્રણીત (બ્રોન્ઝ) અને પ્રકાશ પાદુકોણે (બ્રોન્ઝ) મેન્સ સિંગલ્સમાં મેડલ જીત્યા છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંગલ્સમાં વર્ષ 2019માં ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા હતા. તેના સિવાય સાઈના નેહવાલે (સિલ્વર અને બ્રોન્ઝ) બે મેડલ જીત્યા હતા. જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની મહિલા ડબલ્સ જોડીએ વર્ષ 2011માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા વર્ષે બ્રોન્ઝ જીત્યો હતો.