સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગરીબ આદિવાસી પરિવારના દીકરા ચેતન ભઘરીયાએ ચમકદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ચેતને 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, 200 મીટર દોડમાં સિલ્વર મેડલ અને 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. પોતાનો પરાક્રમ સાબિત કરતાં ચેતન માત્ર પોતાના ગામ કેલિયાનું જ નહીં, પણ સમગ્ર ગુજરાત અને દેશનું નાંમ ઉજળું કર્યું છે.
ચેતનની યાત્રા એક ગરીબ આદિવાસી પરિવારમાંથી શરૂ થઈ હતી. બાળપણથી જ મહેનતને શ્રેષ્ઠ મંત્ર માનનાર ચેતને સંજોગો સામે ક્યારેય હાર ન માની. તેણે સતત લક્ષ્ય પર નજર રાખીને દોડ ચાલુ રાખી. તેના માટે પ્રેરણાનો પહેલો સ્ત્રોત હતો રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ, જ્યાંથી તેણે પોતાનું દાવ પટાવ્યું અને ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી ગયો.
જ્યારે ચેતન ચેમ્પિયનશિપ જીતીને પોતાના ગામ કેલિયા પરત ફર્યો, ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. લોકો તાળીઓ અને નૃત્ય દ્વારા તેના આગમનનું ભવ્ય સ્વાગત કરી રહ્યા હતા. ચેતન માટે એ ક્ષણ ત્યારે વધુ અર્થપૂર્ણ બની, જ્યારે તેણે જણાવ્યું કે, “મારા માટે મેડલથી પણ મોટી વાત એ છે કે આજે મારા ગામના નાના બાળકો મને જોઈને દોડવાનું સપનું જુએ છે. એ જ સૌથી મોટું ગૌરવ છે.”
આ કથા માત્ર એક જીતની નથી, પણ એ આશાની જીતી છે કે ગરીબી, મુશ્કેલીઓ અને સંસાધનોની અછત વચ્ચે પણ જો મનોબળ મજબૂત હોય અને પ્રયત્નો ખરા હોય તો કોઈપણ સપનાને સાકાર કરી શકાય છે. ચેતન ભઘરીયા આજે અનેક યુવાન માટે જીવંત પ્રેરણા છે.