મેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ૨૦૨૪ની ચૂંટણીના ઉમેદવાર તરીકેની દાવેદારી માટે પ્રચાર અભિયાન ચાલવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કાયદા હેઠળ ક્રિમીનલ કેસમાં આરોપી તરીકેનું આરોપનામું કોર્ટમાં મંગળવારે રજૂ થયું હતું. પુરવાર થાય તો વર્ષો સુધી જેલવાસ ભોગવવો પડે તેવા આરોપ ટ્રમ્પ સામે કોર્ટમાં જન્મદિવસના એક દિવસ પહેલા જ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. આ સાથે ટ્રમ્પ પ્રથમ પૂર્વ રાટ્રપતિ બન્યા છે કે જેની સામે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની શરૂ થયાના ૨૩૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ફેડરલ (એટલે કે અમેરિકાના કોઈ રાજ્યના નહી પણ રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા હોય તેવા) કાયદા હેઠળ ક્રિમીનલ કેસ થયો હોય.
રાષ્ટ્રપતિ તરીકે કેટલાક અતિ ગોપનીય અને સંવેદનશીલ દસ્તાવેજો પોતાની પાસે છુપાવી રાખી, તેની જાણ નવા રાષ્ટ્રપતિને નહી કરી અને જાસુસી કાયદાના ભંગના ૩૧ સહિત કુલ ૩૭ જેટલા આરોપ પૂર્વ રાષ્ટ્રપતિ સમક્ષ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) દ્વારા મુકવામાં આવ્યા છે. આરોપ માટે ટ્ર્રમ્પ ફ્લોરીડાના મિયામી શહેરની ફેડરલ કોર્ટમાં જજ જોનાથન ગુડમેન સમક્ષ હાજર રહ્યા હતા. અહી ટ્રમ્પ વતી વકીલોએ પૂર્વ રાષ્ટ્રપતિએ પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી. આ કેસમાં ટ્રમ્પની સાથે અન્ય આરોપીઓમાં તેમના અંગત સ્ટાફના વોલ્ટ નોટા પણ છે. નોટા કોર્ટમાં વકીલ નહી હોવાથી ગેરહાજર રહ્યા હતા તેમની સામેની કોર્ટની કાર્યવાહી તા.૧૭ જૂનના રોજ થશે.
જજ ગુડમેને ટ્રમ્પ સહઆરોપી અને કેસના સાક્ષીઓ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક નહી રાખવાનો ઓર્ડર કરવાની વાત કરતા ટ્રમ્પના વકીલે વિરોધ કર્યોે હતો અને જણાવ્યું હતું કે નોટા ટ્રમ્પનો અંગત સ્ટાફ છે અને તેનું જીવન રાષ્ટ્રપતિના જીવન ઉપર નિર્ભર છે. જોકે જજે દલીલ માન્ય નહી રાખી આ અંગે ઓર્ડર કર્યો હતો. આ ઉપરાંત, જે સાક્ષી કે અન્ય વ્યક્તિઓનો આધાર ટ્રમ્પ ઉપર છે તેમની અલગ યાદી કોર્ટને આપવા ફરીયાદી પક્ષને જણાવ્યું હતું.
ઓગસ્ટમાં ્રટ્રમ્પના નિવાસ સ્થાન માર-એ-લાગો ઉપર દરોડા પાડી ૧૦૦ જેટલા દસ્તાવેજો એફબીઆઈએ જપ્ત કર્યા હતા. એફબીઆઈએ રજૂ કરેલા આરોપ અનુસાર આ દસ્તાવેજો બોલરૂમથી બેડરૂમ અને ત્યાંથી સ્ટોર રમ અને પછી બાથરૂમમાં ફેરવવામાં આવ્યા હતા. કથિત રીતે કેટલાક દસ્તાવેજોતો ટ્રમ્પના બોડીગાર્ડ એવા નાટોએ પોતાના વકીલથી પણ છુપાવીને રાખવામાં આવ્યા હતા. આ દસ્તાવેજો જૂન ૨૦૨૨માં કોર્ટના આદેશ બાદ થયેલી તપાસમાં જ જપ્ત કરવાની એફબીઆઈને સફળતા મળી હતી.
લગભગ ૪૫ મિનીટ ચાલેલી કોર્ર્ટની કાર્યવાહી બાદ જાણે કાઈ થયું નથી એમ ટ્ર્રમ્પે પોતાનું પ્રચાર અભિયાન આગળ ચલાવ્યું હતું. પોતાના પ્રચાર માટે નાણા ભેગા કરવા થયેલી એક બેઠકમાં બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કેસ સામ્યવાદી કે ફાસીવાદમાં વિશ્વાસ કરતા દેશોમાં થતા રાજકીય દમન જેવું છે. દેશને બચાવવા આ કેસ તરત જ પડતો મુકવો જોઈએ. લગભગ ૩૦ મિનીટના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે એક ભ્રષ્ટ રાષ્ટ્રપતિએ આ કેસ ઉભો કરી તેની ધરપકડ કરી છે. આ દેશના ઈતિહાસમાં સત્તાનો આટલો મોટો દુરુપયોગ ક્યારેય જોવા મળ્યો નથી.
મે મહિનામાં એક મહિલાના જાતીય શોષણના કેસમાં આરોપી બન્યા બાદ મંગળવારે ફેડરલ કક્ષાના ક્રિમીનલ કેસમાં આરોપી બન્યા બાદ પણ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અગામી ચૂંટણીમાં ઉમેદવાર બનતા કે જીતે તો રાષ્ટ્રપતિ બનતા રોકવા અશક્ય છે. આ બન્ને કેસમાં તેમની સામે કોર્ટની કાર્યવાહી મહિનાઓ સુધી ચાલી શકે એમ છે. આરોપી તરીકે અને શક્ય છે કે કેસ પુરવાર થાય તો ગુનેગાર બન્યા પછી પણ અમેરિકન કાયદા કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે ટ્રમ્પનો પ્રચાર અટકાવી શકાય અને ૨૦૨૪માં ચૂંટણી જીતે તો તેમને ઓફીસ ધારણ કરવા માટે શપથ લેતા અટકાવી શકાય. અમેરિકન બંધારણ અનુસાર અમેરિકામાં જન્મ થયો હોય. ૩૫ વર્ષથી વધારે ઉંમર હોય કે છેલ્લા ૧૪ વર્ષથી અમેરિકાનો રહેવાસી હોય તે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. આ સિવાય આરોપી કે ગુનેગારને રોકવા માટે બીજી કોઈ જોગવાઈ નથી એમ યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના કાયદા વિભાગના પ્રોફેસર રીચાર્ડ હેસને જણાવ્યું હતું.
કોર્ટની અંદર આરોપનામું અને અન્ય કાર્યવાહી માટે લગભગ એક કલાક હાજર રહેલા ટ્રમ્પે સંપૂર્ણ મૌન ધારણ કર્યું હતું. ખુરશીમાં જજ ગોડમેન સામે શિસ્તબદ્ધ રીતે બેસી, લગભગ મૌન ધારણ કરી તેમણે કાર્યવાહીમાં ભાગ લીધો હતો. કોર્ટરૂમમાં એકપણ કેમેરો નહી હોવાથી તેનું કોઈ રેકોર્ડીંગ હતું નહી. પણ કોર્ટરૂમની બહાર આવી પોતાના ટેકેદારોનું અભિયાન કરી પોતાના પ્રાઈવેટ ગોલ્ફ ક્લબમાં કેમેરાની સમક્ષ ૩૦ મિનીટ ભાષણ કર્યું હતું. કોર્ટની અંદર હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે અંદર વકીલ અને જજ વચ્ચે જ સંવાદ હતો જયારે બહાર લાંબી મોટરકેડ, કેટલાક ટેકેદારોએ ધજા ફરકાવી હતી. અહીંથી પોતાના પ્રાઈવેટ જેટમાં તે ન્યૂ જર્સી પહોંચી ક્લબ હાઉસમાં ભાષણ આપવા પહોંચ્યા ત્યારે ટેલીવિઝન ઉપર લાઈવ કવરેજમાં હાજર હતા. તેમણે અહી રાષ્ટ્રપતિ બાયડેનની આકરી ટીકા કરી હતી.