રામકથાગાન દ્વારા સનાતન સંદેશો વૈશ્વિક કરનાર મોરારિબાપુ દ્વારા મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી ઘાટ નિર્માણ થયો છે.
‘ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર…’ ચિત્રકુટનાં ઘાટ ઉપર તુલસીદાસજીને ભગવાન રામચંદ્રજી તિલક કરે છે તે કથા પ્રસંગ ખૂબ જાણીતો છે… તો મહુવામાં મોરારિબાપુ દ્વારા કૈલાસ ગુરુકુળમાં ‘તુલસી ઘાટ’ નિર્માણ થયો છે, જ્યાં વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ માટે માનો કે જ્ઞાન તિલક પ્રાપ્ત છે!
મોરારિબાપુ કહે છે કે, જ્યાં મારી રામકથા, ત્યાં મારું અવધ, ત્યાં જ કૈલાસ કે અને ગંગા તથા યમુના, તેઓ સકળ જગતને સમત્વથી સમજવા ભાર આપતા રહ્યા છે, પરંતુ તેમના કેન્દ્ર સ્થાને હંમેશા સ્વાભાવિક જ તુલસીદાસજીનું ‘માનસ’ રહ્યું છે.
ગોહિલવાડના તલગાજરડા જન્મભૂમિ સાથે મહુવા કે સમગ્ર ગુજરાત અને ભારત માટે રામકથા સંકુચિત બનાવવાના બદલે સતત વૈશ્વિક બનાવવાનો ઉમદા અને સફળ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. સંત ગોસ્વામી તુલસીદાસજી પ્રત્યે પૂર્ણ અહોભાવ સાથે મોરારિબાપુએ મહુવાની કૈલાસ ગુરુકુળમાં માતા સરસ્વતીના સ્થાન સાથે ‘તુલસી ઘાટ’ નિર્માણ કર્યો છે, જ્યાં અભ્યાસુ કે શ્રદ્ધાળુ બધાને ‘તુલસી વિશ્વ’ દર્શન લાભ પ્રાપ્ત થયો છે.
આ ‘તુલસી ઘાટ’ માટે સૂચક રહેલાં જાણીતા ચિંતક પત્રકાર સ્વર્ગસ્થ શ્રી નગીનદાસ સંઘવીએ પણ કરેલી નોંધ મુજબ તુલસીદાસજીનું ‘રામચરિતમાનસ’ મોરારિબાપુનો જીવનાધાર સદ્દગ્રંથ છે અને દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો જરૂરી છે તેવું બાપુ અગણિત વખત કહી ચૂક્યા છે.
શ્રી કૈલાસ ગુરુકુળના સંયોજક રહેલા જયદેવ માંકડ દ્વારા ‘તુલસી ઘાટ’ નિર્માણ હેતુ દેશમાં અલગ અલગ સ્થાન ભાગોમાં ફરી આ અંગે સાહિત્ય ગ્રંથ વગેરે સારા પ્રમાણમાં એકત્રિત કરી શક્યા છે. રાજધાની દિલ્લી, લખનૌ તથા પટણા વગેરે સ્થાનોની મુલાકાત લઈ અહીંના પુસ્તકાલયને સમૃદ્ધ બનાવાયેલ છે. તેઓ કહે છે કે ઘાટ પર મુલાકાતીઓ માત્ર નિહાળે, આચમન કે સ્નાન કરી શકે, તે રીતે આ ‘તુલસી ઘાટ’ નિર્માણ કરાયો છે અને વધુ ઉમેરણ થઈ રહ્યું છે.
તુલસીઘાટ એટલે તુલસી સંશોધન કેન્દ્ર દ્વારા ગોસ્વામી તુલસીદાસજીનાં જીવન કવન સાથે તેમની સાહિત્ય સર્જન વિગતો વગેરેનો સમાવેશ કરાયો છે. અહીંયા તુલસીદાસજી રચિત રામચરિત માનસ તો કેન્દ્ર સ્થાને હોય જ પરંતુ સાથે વિનય પત્રિકા, દોહાવલી, કવિતાવલી, જાનકી મંગલ, પાર્વતી મંગલ વગેરે સાહિત્ય સાથે જ તેમણે લીધેલા આધાર ગ્રંથો માટે અભ્યાસ કરવાનો અવસર અહીંયા ઉપલબ્ધ છે. વિવિધ વિદ્વાન સર્જકો દ્વારા તુલસીદાસજી વિશે થયેલા ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી સાહિત્ય સર્જનો અહી ઉપલબ્ધ છે, જે રામકથા ભાવિકો, વિદ્યાર્થીઓ કે સંશોધકો અને રસિકો માટે ખૂબ ઉપયોગી બની રહેલ છે.
તલગાજરડાનાં ગોંદરાથી દેશેદેશ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ મુખ્યાલય સુધી આમ રામકથાગાન વૈશ્વિક કરનાર મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મૂલ્ય સંદેશ સાથે જ આ
તુલસી ઘાટ એટલે ગોસ્વામી તુલસીદાસજીના આસપાસના અભ્યાસ માટેનું સુલભ કેન્દ્ર બન્યું છે.