પાકિસ્તાનમાં ગુરૂવારે યોજાનારી સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ બલુચિસ્તાન પ્રાંતમાં બે ઉમેદવારોની ચૂંટણી કચેરીઓની ઓફિસને ટારગેટ બનાવીને બે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં કુલ 30નાં મોત થયા હતા અને 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પહેલો આત્મઘાતી હુમલો બલૂચિસ્તાનના પિશિનમાં થયો હતો, જેમાં 20નાં મોત થયા હતા જ્યારે તેનાં એક કલાકથી પણ ઓછાં સમયમાં બીજો ધડાકો કિલા અબદુલ્લાહમાં થયો હતો, જેમાં1 10નાં મોત થયા હતા અને 22ને ઇજા થઈ હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ બંને વિસ્ફોટો માટે કોઇ જૂથ કે વ્યક્તિએ જવાબદારી લીધી નથી.
પિશિનમાં અપક્ષ ઉમેદવાર અસફંદયાર કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા. બલૂચિસ્તાનના માહિતી મંત્રી જાન અચકઝાઈએ જણાવ્યું હતું કે પ્રથમ બ્લાસ્ટની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટક સામગ્રી બાઇકમાં રાખવામાં આવી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો કે, બીજા બ્લાસ્ટનું કારણ હજુ બહાર આવ્યું નથી.
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અલી મર્દાન ખાન ડોમકીએ હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે આવી ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનું ષડયંત્ર છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરમાં આતંકવાદી હુમલાઓ તેજ થયા છે. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહ્યાં છે.
થોડા દિવસો પહેલા સેનેટમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં આતંકવાદ અને હિંસાની વધી રહેલી ઘટનાઓ કોઈ ચોક્કસ ષડયંત્ર તરફ ઈશારો કરી રહી છે.
પંજાબ પ્રાંતમાં સૌથી વધુ આશરે 7.3 કરોડ, સિંધમાં 2.6 કરોડ, ખૈબર પખ્તુનખ્વા 2.1 કરોડ અને બલૂચિસ્તાનમાં 53 લાખ અને રાજધાની ઇસ્લામાબાદમાં આશરે એક લાખ મતદારો છે.
નેશનલ એસેમ્બલી (NA) સીટો માટે કુલ 5,121 ઉમેદવારો રેસમાં છે, તેમાં 4,807 પુરુષો, 312 મહિલા અને બે ટ્રાન્સજેન્ડર છે. ચાર પ્રાંતીય એસેમ્બલી માટે, 12,695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 12,123 પુરૂષ, 570 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર છે.દેશભરમાં 90,7675 મતદાન મથકો ઊભા કરાયા છે, જેમાં 25,320 પુરુષ મતદારો માટે, 23952 મહિલાઓ માટે અને 41,403 મિશ્ર મતદાન મથકો છે. આમાંથી 29,985ને સંવેદનશીલ અને 16,766ને અતિસંવેદનશીલ જાહેર કરાયા છે.
નેશનલ એસેમ્બલીની કુલ 336માંથી 266 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, પરંતુ એક ઉમેદવારની હત્યાને કારણે 265 બેઠકો પણ ચૂંટણી યોજાશે. નેશનલ એસેમ્બલીની 60 બેઠકો મહિલાઓ માટે અને અન્ય 10 લઘુમતીઓ માટે અનામત છે.
વડાપ્રધાનપદ માટે નવાઝ શરીફ પ્રબળ દાવેદાર
ચૂંટણીમાં નવાઝ શરીફને આર્મીનું સમર્થન હોવાથી તેઓ ચોથી વખત વડાપ્રધાન બને તેવી પૂરી સંભાવના છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવે તેવી શક્યતા છે, કારણ કે જેલમાં બંધ ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. PTIના ચૂંટણી પ્રતિક બેટને છીનવી લેવામાં આવ્યું છે. આ ચૂંટણી જંગમાં બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પણ સામેલ છે. બિલાવલને પાર્ટીએ પીએમનો ચહેરો બનાવ્યો છે.
12.85 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે
આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનમાં વ્યાપક હિંસાની આશંકાઓ વચ્ચે નવી સરકાર ચૂંટવા માટે ગુરુવારે મતદાન થશે. મતદાન સવારે 8.00 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચૂંટણીને કારણે દેશભરમાં જાહેર રજા જાહેર કરાઈ છે. સામાન્ય ચૂંટણીઓમાં 12.85 કરોડથી વધુ મતદારોને મતદાન કરશે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ બે વિસ્ફોટોમાં 30નાં મોતને પગલે દેશભરમાં લગભગ 6.50 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરીને સુરક્ષામાં વધારો કરાયો છે. બુધવારે પોલીસ અને સૈનિકોની સુરક્ષા વચ્ચે મતદાન અધિકારીઓની દેખરેખ હેઠળ 90,000થી વધુ મતદાન મથકો ચૂંટણી સામગ્રી પહોંચાડવામાં આવી હતી.