અરવલ્લી જિલ્લાના બ્રાહ્મણ પરિવારની બબ્બે દીકરીઓ સાથે કથિત લવ જેહાદ જેવી પ્રવૃત્તિ આચરવામાં આવ્યાનો પર્દાફાશ થતાની સાથે ખળભળાટ મચી ગયો હતો અને ભટ્ટ મેવાડા સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનોએ ભોગ બનનાર બંને દીકરીઓને મદદ માટે હાથ લંબાવ્યો હતો. બંને દીકરીઓ હાલમાં સામાજિક મહિલા કાર્યકરના સંરક્ષણમાં છે અને મહદઅંશે અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાઈ જવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
અરવલ્લી જિલ્લાના બ્રાહ્મણ પરિવારની એક દીકરીએ મુસ્લિમ યુવક સાથે કથિત લગ્ન કર્યા બાદ કડવો અનુભવ થતા સાત વર્ષે નાસીને પરત આવી છે જ્યારે બીજી દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ નામધારી મંથન જીતેન્દ્રભાઈ જોશી નામના હિંમતનગર ખાતે રહેતા યુવકના પરિચયમાં આવ્યા બાદ બંને પરિવારોની સંમતિથી લગ્ન કર્યા હતા. યુવતીના જણાવ્યાનુસાર તેને લગ્નના બે-એક મહિનામાં જ કંઈક અજુગતું હોવાનો અણસાર આવી ગયો હતો અને થોડા સમયમાં પ્રેગ્નન્ટ થઈ ગયા બાદ થયેલ બાળકનો જન્મ અને કોઈનો સહારો ન હોવાથી થોડી વિવશ બની ગઈ હતી.
તેણે જણાવ્યું કે તેના પતિને પરિચિતો સોહેલ તરીકે બોલાવે છે જ્યારે આધાર કાર્ડમાં મંથન કુમાર જીતેન્દ્રભાઈ જોશી છે. પતિના પિતાના મૃત્યુ બાદ યુવકની માતાએ બીજા લગ્ન કર્યા હતા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નામ બદલવા અંગે જાહેરાત પણ આપી હતી ઘરમાં નામનું એક મંદિર રાખતા હતા પરંતુ મુસ્લિમ ધર્મ જ પાળતા હતા અને મને પણ તેવી જ રીતે રહેવા ફરજ પાડી નિયમિત અંતરાલે ઝઘડા કરી મારઝૂડ કરાતી હતી.
કોઈ મદદ ન મળતા સહન કર્યે જતી હતી પરંતુ મોટી બહેન પણ હિંમતનગર આવતા બીજા દિવસે તેને બસ સ્ટેન્ડ મુકવા જવાને બહાને મોકો મળી ગયા બાદ મદદ મળી રહેતા હિંમત કરીને અમદાવાદ આવી ગઈ છું અને હવે ફરીથી પરત નથી જવું. બંનેને આશરો આપનાર સામાજિક કાર્યકર અને એડવોકેટ સોનલબેન જોષીએ જણાવ્યું કે હાલમાં બંને દીકરીઓ ડરી રહી છે તેમને સુરક્ષા આપવા પોલીસને જાણ કરી છે અને અમદાવાદ જ ફરિયાદ નોંધાય અને તપાસ થાય તેવી રજૂઆત કરી છે આજે ફરિયાદ નોંધાઇ જશે તેવું આશ્વાસન મળ્યું છે.