દેશમાં આગામી લોકસભા ચૂંટણી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે કાયદા પંચે કેન્દ્ર સરકારને આ અંગે તેનો રિપોર્ટ સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સમાન નાગરિક સંહિતા (યુસીસી)માં લગ્ન સંબંધિત કાયદાઓને સ્પર્શવામાં નહીં આવે જ્યારે છૂટાછેડા, ભરણ-પોષણ, ઉત્તરાધિકાર જેવા કાયદાઓ પર કેન્દ્રિત હશે.
દેશમાં આગામી લોકસભા ચૂંટણી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે કાયદા પંચે જુલાઈ-ઑગસ્ટમાં સમાન નાગરિક સંહિતાના મુસદ્દા અંગે લોકો પાસેથી સૂચનો માગ્યા હતા. હવે કાયદા પંચે કેન્દ્ર સરકારને તેનો રિપોર્ટ સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ લગ્નના સંદર્ભમાં એક પુરુષ અને એક મહિલાનો જ ઉલ્લેખ કરાશે. સજાતીય લગ્નોને કાયદાકીય મંજૂરી નહીં અપાય. વધુમાં લગ્ન સંબંધે વિવિધ ધર્મોના રીત-રિવાજોને પણ યુસીસીમાં સ્પર્શ કરવામાં નહીં આવે. જોકે, છૂટાછેડા, ભરણ-પોષણ, ઉત્તરાધિકાર જેવા સંબંધિત કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ઉપરાંત કાયદા પંચે બહુવિવાહ, નિકાહ હલાલા, એક તરફી તલાક વગેરેનો વિરોધ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજધાની નવી દિલ્હીમાં નવા સંસદ ભવનમાં વિશેષ સત્રની જાહેરાત સમયથી ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે કાયદા પંચે શુક્રવારે સ્પષ્ટ કરી દીધું છે કે વર્ષ ૨૦૨૯ પહેલાં દેશમાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ શક્ય નથી. કેન્દ્ર સરકારે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’માટે સમિતિની રચના કરી છે અને આ સમિતિએ તેનું કામ પણ શરૂ કરી દીધું છે તેવી ચર્ચાઓ છતાં કાયદા પંચના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૯થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય તેવી શક્યતા વધુ છે. કાયદા પંચનું કહેવું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી શક્ય નથી. વિશેષરૂપે કાયદા પંચનો રિપોર્ટ માત્ર લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ સાથે સંબંધિત છે. તેમાં મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ઉલ્લેખ નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.