UGCના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ દૂર કરવા માટે લાવવામાં આવેલા નવા નિયમોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. આ નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે હવે સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. બુધવારે (28 જાન્યુઆરી) આ અરજી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી.
અરજી રજૂ થતાં જ CJIએ ટિપ્પણી કરતા કહ્યું કે, “શું ચાલી રહ્યું છે તે અમે જાણીએ છીએ. અરજી લિસ્ટ કરો.” કોર્ટના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ સંબંધિત નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. નિયમો જાહેર થતાં જ દેશભરમાં તેનો વિરોધ શરૂ થયો હતો. મુખ્ય વિવાદ એ બાબતે છે કે જાતિગત ભેદભાવની વ્યાખ્યામાંથી જનરલ કાસ્ટને બાકાત રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ રીતે ચોક્કસ સમુદાયોને સુરક્ષાની વ્યાખ્યામાંથી બહાર રાખવાથી ગંભીર અને વિપરીત પરિણામો આવી શકે છે. અરજદારોએ જણાવ્યું છે કે ભેદભાવ સામેની સુરક્ષા માત્ર કેટલીક જ જાતિઓ સુધી મર્યાદિત રાખવી બંધારણીય સિદ્ધાંતોના વિરુદ્ધ છે અને જનરલ કાસ્ટને આ સુરક્ષાથી વંચિત રાખી શકાય નહીં.
આ અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી મામલાની સંપૂર્ણ સુનાવણી ન થાય ત્યાં સુધી UGCના નવા નિયમો લાગુ થવા પર રોક લગાવવામાં આવે. નોંધનીય છે કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એકથી વધુ અરજીઓ દાખલ થઈ ચૂકી છે, જેના કારણે આ મામલો વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel