હૃદયની ધમનીઓમાં છુપાયેલા પ્લેક (બ્લોકેજ) શોધી કાઢતાં દેશમાં સૌ પ્રથમ મશીનની સુવિધા વતન ચાંગામાં ઉપલબ્ધ કરાવતાં ડો.અરુણ – ડો.અંજના પટેલ
આણંદ જિલ્લાના ચાંગાના વતની, યુએસએ સ્થિત, વતન પ્રેમી ડો.અરુણ ડાહ્યાભાઈ પટેલ અને ડો. અંજના પટેલના રૂ. 3.25 કરોડના દાનથી ચાંગા હોસ્પિટલ ખાતે સમગ્ર દેશમાં પ્રથમ અધ્યતન સીટી સ્કેન મશીન (uCT 550 – 80 Slice Cardiac CT Scanner System) અર્પણ કરવાનો કાર્યક્રમ ચાંગા ચારુસેટ ખાતે યોજાયો હતો.
પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણ પટેલ, માતૃ સંસ્થા અને કેળવણી મંડળના મંત્રી ડો.એમ.સી.પટેલ, ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, ચારુસેટના મુખ્ય અધિકારી ડો.અતુલ પટેલના હસ્તે દાતા ડો.અરૂણ પટેલ તથા ડો. અંજના પટેલને “દાન ભાસ્કર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઉપસ્થિત મહાનુભાવોએ બદલાયેલ જીવનશૈલીમાં આ અદ્યતન સીટી સ્કેન મશીન અનેક લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી ડોક્ટર પટેલ દંપતિના વતન પ્રેમ અને ઉદારતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે ડો. અરુણ પટેલ અને ડો. અંજના પટેલે જણાવ્યું હતું કે આ નવું મશીન માત્ર સામાન્ય CT સ્કેન માટે નહીં, પણ ખાસ કરીને હૃદયના રોગોની ખૂબ વહેલી તકે જાણકારી મેળવવા માટે માટે અમૂલ્ય હથિયાર છે. 40 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ માટે ખાસ ઉપયોગી કોરોનરી આર્ટરી કેલ્શિયમ સ્કોર (CACS), હૃદય રોગ અને અકાળ મૃત્યુથી બચાવે છે. CACS ટેસ્ટ એક સરળ, 5-મિનિટની પ્રક્રિયા છે જે હૃદયની ધમનીઓમાં છુપાયેલા પ્લેક (બ્લોકેજ) શોધી કાઢે છે. આ નવા મશીન દ્વારા થતી Coronary Artery Calcium Score એક અનોખી. સરળ, ઝડપથી થતી અને બિલકુલ પેઇનલેસ સ્કેન છે. જે હૃદયની રક્તવાહિનીઓમાં કેલ્શિયમના જમાવટ દ્વારા હાર્ટ એટેકની શક્યતા કેટલી છે તે સમયસર જણાવી શકે છે. આ કેલ્શિયમ સ્કોર હૃદયરોગ થવાની શક્યતાનો અગાઉથી જ સંપૂર્ણ ચિતાર આપે છે અને જીવનશૈલી અને દવાથી હાર્ટ એટેકનું જોખમ 90% સુધી ઘટાડી શકાય છે. જો સમયસર ચકાસણી થાય તો હૃદયની ધમનીમાં બ્લોકેજ વધે તે પહેલાં જ જરૂર પ્રમાણે સારવાર મળી શકે અને હૃદયરોગ કે અચાનક થતું મૃત્યુ અટકાવી શકાય છે.આ ઉપરાંત uCT 550 થી આખા શરીર માટે અદ્યતન ટેકનોલોજીથી સીટી સ્કેન થઇ શકે છે. તેમ જણાવી તેઓએ ચારુસેટના સંચાલકો પ્રત્યે સેવા કરવાની તક આપવા બદલ આભારની લાગણી પ્રગટ કરી કૃતજ્ઞતા અનુભવી હતી.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel