સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ડઝનબંધ ઠેકાણાંને નિશાન બનાવ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, સીરિયાના અનેક વિસ્તારોમાં આવેલા ISISના તાલીમ કેન્દ્રો, શસ્ત્રાગારો અને કમાન્ડ સેન્ટરો પર અત્યંત ચોકસાઈપૂર્વક હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા. 19 ડિસેમ્બરે શરૂ થયેલા આ ઑપરેશનમાં અમેરિકી વાયુસેનાના એફ-15 ઇગલ ફાઇટર જેટ, એ-10 થન્ડરબોલ્ટ ગ્રાઉન્ડ-અટેક એરક્રાફ્ટ અને એએચ-64 અપાચે હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં જોર્ડનના ફાઇટર જેટ્સે પણ સહયોગ આપ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન 100થી વધુ પ્રિસિઝન મ્યુનિશનનો ઉપયોગ કરીને મધ્ય સીરિયામાં 70થી વધુ ટાર્ગેટ પર હુમલા કરવામાં આવ્યા, જેમાં ISISના આતંકીઓ, હથિયારોના ભંડાર અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે. અમેરિકાે સ્પષ્ટ કર્યું છે કે ISIS હજુ પણ પ્રાદેશિક તેમજ વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે અને આ હુમલાઓનો હેતુ સંગઠનને ફરી મજબૂત બનતા અટકાવવાનો તથા તેના આતંકી નેટવર્કને જડમૂળથી ખતમ કરવાનો છે.
“This is not the beginning of a war — it is a declaration of vengeance. The United States of America, under @POTUS Trump’s leadership, will never hesitate and never relent to defend our people.”
– @SecWar Pete Hegseth https://t.co/kxEE9Qa7sz
— U.S. Air Force (@usairforce) December 19, 2025
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગ્સેથે જણાવ્યું હતું કે, “આ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલાની જાહેરાત છે. અમે અમારા દુશ્મનોને નિશાન બનાવી રહ્યા છીએ અને આ કાર્યવાહી ચાલુ રહેશે.” વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ISISના હુમલામાં જીવ ગુમાવનાર અમેરિકનોના મોતનો બદલો લેવાનો વચન આપ્યું હતું અને તે વચન હવે પૂર્ણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં સીરિયામાં ISISના હુમલામાં બે અમેરિકી નેશનલ ગાર્ડ જવાનો અને એક નાગરિકનું મોત થયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે ટ્રુથ સોશિયલ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, ISIS દ્વારા અમેરિકન દેશભક્તોની ઘાતકી હત્યા બાદ અમેરિકા હવે જવાબદાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, સીરિયામાં ISISના ગઢ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને જો આ સંગઠનને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે તો સીરિયાનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. તેમણે વધુમાં ચેતવણી આપી કે, જો કોઈ આતંકી સંગઠન અમેરિકા પર હુમલો કરશે અથવા ધમકી આપશે તો તેની સામે અગાઉ ક્યારેય ન કરવામાં આવી હોય તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel