બાયડ ગામમાં આવેલા દ્વારકાધીશ મંદિરે પ્રભુનો અલૌકિક છપ્પનભોગ મનોરથનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા વૈષ્ણવજનોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી ભક્તજનોએ મહારાજશ્રીના વચનામૃતનો લાભ લીધો
શહેરના અગ્રણી ઉમેશભાઈ શાહના જણાવ્યા પ્રમાણે, બાયડ શહેરના આંગણે શ્રી દ્વારકાધીશ મંદિરે (પરબડી ચોક, બાયડ ગામ)શ્રી વ્રજેશકુમારજી મહારાજના આશીર્વાદથી અને શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજની આજ્ઞાથી અલૌકિક છપ્પનભોગ મનોરથ પ્રસંગ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ગોવર્ધનનાથજીની હવેલીના બાવાશ્રી બગીમાં બિરાજમાન થયા હતા. શોભાયાત્રા શહેરના માર્ગોમાં ભ્રમણ કરી ગામમાં દ્વારકાધીશ હવેલી મંદિરે પહોંચી હતી. જેમાંબાયડ શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે જેમ નંદ ઘેર આનંદ ભયોની લાગણી જોવા મળે છે તેમ પ્રભુજીનો જય જય કાર ગુંજી ઉઠયો હતો. મંદિરે રાજભોગની આરતીના દર્શનનોલાભ લેવા ભીડ ઉમટી પડી હતી. પ્રભુજીને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાયડ એન.એચ. શાહ હાઈસ્કૂલ ખાતે મહારાજશ્રીનું સન્માન કરાયું હતુ. તેમના વચનામૃતનો શ્રદ્વાળુઓએ લાભ લીધો હતો. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.