હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડા દ્વારા ભારત પર લગાવેલા આરોપ બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ વધતો જાય છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીમાંથી કેનેડાના હાઈ કમિશનના સ્ટાફને પાછા બોલાવવાનું કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ભારતે કેનેડાને ચેતવણી પણ આપી હતી કે જો કેનેડા આમ નહીં કરે તો ભારત કેનેડાના હાઈ કમિશનરોને આપવામાં આવેલી ડિપ્લોમેટિક સુરક્ષા પાછી ખેંચી લેશે.
હવે કેનેડાના 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તેમજ કેનેડાના અધિકારીઓએ ભારતની આ ચેતવણીને આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન ગણાવ્યું હતું. આવા આરોપો સામે આવતા વિયેના સંધિ ખુબ ચર્ચામાં આવી છે. તો જાણીએ વિયેના સંધિ શું છે અને કેનેડા આ સંધિના ઉલ્લંઘનનો આરોપ શા માટે લગાવે છે?
વિયેના સંધિ શું છે?
વિયેના સંધિ મુજબ કોઈપણ દેશના ડિપ્લોમેટ્સની ધરપકડ ન કરી શકાય કે તેમને કસ્ટડીમાં પણ રાખી શકાય નહી. આ સંધિના આધારે જ ડિપ્લોમેટ્સની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય કાયદાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. 1964ના વર્ષમાં આ સંધિ પર કામ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સંધિ અંતર્ગત કુલ 54 આર્ટિકલ છે. તેમજ અત્યાર સુધીમાં 192 દેશો દ્વારા આ સંમતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જયારે ભારતે આ સંધિ પર 1965માં હસ્તાક્ષર કાર્ય હતા.
કેનેડાએ શા માટે તેના ડિપ્લોમેટ્સને પાછા બોલાવ્યા?
કેનેડામાં ભારતના જેટલા ડિપ્લોમેટ્સ છે તેનાથી વધારે સંખ્યામાં ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સ તૈનાત છે. એવામાં જયારે ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો ત્યારથી બંને દેશના સંબંધો ખરબ થયા છે એવામાં ભારતે તેના ડિપ્લોમેટ્સની સંખ્યા કેનેડા જેટલી જ કરવાની માંગ કરી હતી.
સુત્રો પ્રમાણે આ બાબતે સમાનતા લાવવા ભારતે એક મહિના પહેલા જ કેનેડાને જાણ કરી હતી. કેનેડા સાથે ચર્ચા વિચારણા કરીને તેના નિયમો લાગુ કરવા માટે અમલમાં લાવવાની તારીખ 10 ઓક્ટોબર હતી, પરંતુ તેને 20 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી હતી.
વિદેશમંત્રી એસ જયશંકરે આ બાબતે શું નિવેદન આપ્યું?
આ બાબતે કેનેડાના વિદેશમંત્રીએ 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતની કેનેડાના ડિપ્લોમેટ્સને મળતી સુરક્ષા હટાવવાની વાત કરાવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. પરંતુ ભારતની આ વાતને ધ્યાનમાં લઈને કેનેડા તેની વિરૂદ્ધ કોઈ પગલા લેશે નહિ. જો અમે આ સુરક્ષા તોડવા દઈએ તો દુનિયામાં કોઈપણ જગ્યાએ કોઈપણ ડિપ્લોમેટ્સ સુરક્ષિત ન રહી શકે, પરતું અમે અત્યારે પણ કેનેડામાં વસતા કે ફરવા આવેલા ભારતીયોનું કેનેડામાં સ્વાગત કરીશું.
આ મુદ્દે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કયું હતું કે અમે કેનેડના ડિપ્લોમેટ્સ ભારતના આંતરિક મામલાઓમાં ખુબ દખલ દેતા હોવાથી ભારત દ્વારા ડિપ્લોમેટિક સમાનતા લાવવામાં આવી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ભારત અને કેનેડાના સંબંધ હાલ પણ મજબુત જ છે અને ટૂંક સમયમાં જ ભારત કેનેડીયનની વિઝા સેવા ફરી શરુ કરશે. તેમજ કેનેડા દ્વારા વિયેના સંધિનું ઉલ્લંઘન કરવાનો કરવાનો આરોપ પાયાવિહોણો છે. આ પગલા વિયેના સંધિના આર્ટિકલ 11.1 મુજબ જ લેવામાં આવ્યા હતા.
ડિપ્લોમેટ્સને શું સુરક્ષા આપવામાં આવે છે?
ડિપ્લોમેટિક સુરક્ષા એ વિદેશી ડિપ્લોમેટ્સને આપવામાં આવેલ વિશેષાધિકાર છે. આ સુરક્ષામાં સ્થાનિક કાયદાઓમાંથી મુક્તિનો પણ સમાવેશ થાય છે.
અમેરિકા પણ ચિંતિત છે
આ સમગ્ર મામલે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પણ નિવેદન આપ્યું છે. ભારતમાંથી 41 કેનેડિયન ડિપ્લોમેટ્સની વિદાય અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું- અમે આશા રાખીએ છીએ કે ભારત ડિપ્લોમેટિક સંબંધો પર 1961ના વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓ નિભાવશે. તેમણે એમ પણ કહ્યું કે કેનેડા સરકારની માંગના જવાબમાં, અમે ભારતમાંથી તેમના ડિપ્લોમેટિકની વિદાયને લઈને ચિંતિત છીએ. મિલરે કહ્યું, મતભેદોને ઉકેલવા માટે જમીન પર ડિપ્લોમેટ્સની જરૂરિયાત હોય છે.
આ મામલામાં શું થયું?
આ સમગ્ર મામલો જસ્ટિન ટ્રુડોના નિવેદનથી શરૂ થયો હતો. તેણે કેનેડાની સંસદમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે.
જે બાદ કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. જવાબમાં ભારતે પણ કેનેડાના ટોચના ડિપ્લોમેટ્સને પાંચ દિવસમાં ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયો પછી, ભારત અને કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો બગડ્યા છે.
ટ્રુડોએ પોતાના નિવેદનમાં કહ્યું કે કેનેડાએ નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા નક્કર પુરાવા ભારત સાથે શેર કર્યા છે. જો કે હજુ સુધી આવી કોઈ માહિતી જાહેરમાં સામે આવી નથી. બીજી તરફ ભારતે કહ્યું કે ભારત નિજ્જર હત્યા કેસમાં કેનેડા પાસેથી કોઈ ચોક્કસ અથવા સંબંધિત માહિતી મેળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.