ઇસરોએ આજે શુક્રવારે ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરમાંથી બહાર આવતા પ્રજ્ઞાાન રોવરનો અફલતાતૂન વિડિયો જારી કર્યો છે. પ્રજ્ઞાાન રોવર વિક્રમ લેન્ડરમાંથી ધીમે પગલે બહાર આવી રહ્યું છે તેનો વિડિયો વિક્રમ લેન્ડરના ઇમેજર કેમેરાએ તૈયાર કર્યોછે.
પ્રજ્ઞાાન રોવરે ૨૩, ઓગસ્ટે જ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવીને ચંદ્રની ધરતી પર ઉતરીને ધીમાં ડગલાં માંડવાનું શરૂ કરી દીધું છે. આ દ્રશ્ય તો એવું હતું કે વિક્રમ લેન્ડર તેના સાથીદાર પ્રજ્ઞાાન રોવરના કાનમાં હળવેથી કહે છે, અરે ભાઇ ,આજ ઘડીની તો રાહ હતી.બસ, જા , ચંદ્રની ધરતી પર ઉજળી કામગીરી કરીને ઇતિહાસનું સર્જન કર.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
બીજીબાજુ, છ પૈડાંવાળું પ્રજ્ઞાાન રોવર ૨૩, ઓગસ્ટે મોડી રાતે ચંદ્રની ધરતી પર ઉતર્યું તેના ચારેક કલાક બાદ ઇસરોએ વધુ એક વિડિયો જારી કર્યો છે.આ નવા વિડિયોમાં વિક્રમ લેન્ડર તેનો સાથીદાર પ્રજ્ઞાાન સરળતાથી બહાર આવી શકે તે માટે રેમ્પ તૈયાર કરી રહ્યું છે.સાથોસાથ રોવરની સોલાર પેનલ પણ તૈયાર થઇ રહી છે.
ઉપરાંત, ચંદ્રયાન-૨ના ઓર્બિટરે પણ વિક્રમ લેન્ડરે ૨૩ ,ઓગસ્ટે સાંજના ૬ઃ૦૩ વાગે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સોફટ લેન્ડિંગ કર્યું તેનો પણ વિડિયો તૈયાર કર્યો છે.મજેદાર બાબત તો એ છે કે આ ચંદ્રયાન -૨નું ઓર્બિટર ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરને કહે છે, જો,હું તારો પીછો કરું છું. તારી જાસૂસી કરું છું.ચંદ્રયાન-૨નું ઓર્બિટર ૨૦૧૯થી ચંદ્રની ધરતીથી ૧૦૦ કિલોમીટર દૂરના અંતરે રહીને હજી સક્રિય કામગીરી કરી રહ્યું છે.
ઇસરોએ ગુરુવારે સાંજે કહ્યું હતું કે હાલના તબક્કે બધું સમુંસૂતરું છે અને વિક્રમ લેન્ડર તથા પ્રજ્ઞાાન રોવર બંનેએ તેમની ઉત્તમ કામગીરી પણ શરૂ કરી દીધી છે.
ઇસરોનાં સૂત્રોએ તો એવી પણ માહિતી આપી છે કે ચંદ્રયાન-૩ ના પ્રજ્ઞાાન રોવરે તો ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર અત્યાર સુધીમાં આઠ (૮) મીટરનું અંતરની યાત્રા પણ કરી લીધી છે. સાથોસાથ, પ્રજ્ઞાાન રોવરે તેની કામગીરીના ડેટા( માહિતી) મોકલવાનું પણ શરૂ કરી દીધું છે.
આમ તો ચંદ્રયાન-૨ના ઓર્બિટરે અત્યાર સુધીમાં ૬૫ ટેટ્રાબાઇટ્સ (ટીબી) મોકલી દીધા છે. આ ડેટા એટલા બધા છે કે તેના આધારે ૫૦૦ કલાક લાંબી ફિલ્મ બનાવી શકાય.
એક તરફ ચંદ્રયાન-૩ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સંપૂર્ણ સલામતીથી ઉતર્યું હોવાથી સમગ્ર વિશ્વમાં ભારતની અને ઇસરોના પ્રતિભાશાળી વિજ્ઞાાનીઓનીતથા એન્જિનિયરોની વાહ વાહ થઇ રહી છે.ખોબલે ખોબલે અભિનંદન મળી રહ્યાં છે.
બીજીબાજુ ઇસરોનાં સૂત્રોએ થોડીક ચિંતા પણ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હજી સુધી અમારી તમામ ગણતરી અને આયોજન મુજબ કાર્ય થઇ રહ્યું છે.આમ છતાં અમારા મૂન મિશનમાં કદાચ કુદરતી અવરોધ કે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાઇ શકે છે. કહેવાનો અર્થ એ છે કે ચંદ્ર પર વાયુમંડળ નહીં હોવાથી અફાટ અંતરીક્ષમાંથી સતત મહાકાય અને તોતિંગ વજનની ઉલ્કાઓ અને શીલાઓ પડે છે. આમાંની એકાદ ઉલ્કા કે શીલા કદાચ પણ આપણા વિક્રમ લેન્ડરને કે પ્રજ્ઞાાન રોવર પર પડે તો બંને વૈજ્ઞાાનિક ઉપકરણો ભાંગીને ભૂકો થઇ જાય. અથવા તો બંને ઉપકરણો સાથેનો સંદેશા વ્યવહાર બંધ થઇ જાય.
ઉપરાંત, અંતરીક્ષમાંથી કદાચ પણ કોઇ લઘુ ગ્રહ અતિ તીવ્ર ગતિએ ચંદ્રની ધરતી પર આવીને અફળાય અને તેની વેધક અસર વિક્રમ લેન્ડરને અને પ્રજ્ઞાાન રોવરને પણ થઇ શકે છે.
દરમિયાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે,૨૬, સપ્ટેમ્બરે સવારેચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરની ઝળહળતી સફળતા માટે ઇસરોના વિજ્ઞાાનીઓને અને એન્જિનિયરોને અભિનંદન આપવા બેંગલુરુ જશે.