મણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વહેલી સવારે 3.00 વાગ્યાથી 6.00 વાગ્યા સુધી શાંતિ રહી હતી, જોકે ત્યારબાદ ફેયેંગ અને સિંગદા ગામમાં ધડાધડ ગોળીબારનો અવાજો સંભળાયો હતો.
કાંગચુપ વિસ્તારના ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને કરાયો ગોળીબાર
અધિકારીએ જણાવ્યું કે, આ ગોળીબાર કંગપોકલી જિલ્લાના કાંગચુપ વિસ્તારના ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો… આસામ રાઈફલ્સ 2 ગામો વચ્ચે ‘બફર ઝોન’નું સંચાલન કરે છે. અધિકારીઓએ પણ સામસામે આવી ચઢેલી જૂથોમાં જાનહાનિ થઈ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે ગોળીબાર બંધ થયા પછી જ પરિસ્થિતિ વિશે સાચી માહિતી જાણી શકાશે.
મણિપુરમાં અત્યાર સુધીમાં હિંસક ઘટનાઓમાં 150 લોકોના મોત
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 150 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.