મણિપુરમાં ફરી હિંસા ભડકી ગઈ છે. પોલીસે આજે જણાવ્યું કે, રાજ્યના ઈમ્ફાલ વેસ્ટ જિલ્લામાં બે ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઉપરાંત આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતું.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10: 00 વાગ્યે પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કીથેલમનબીમાં બની હતી. હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવેયું કે, અમે ફાયર સર્વિસ સાથે મળીને આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો.
શું છે સ્થિતિ?
પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ હતી પરંતુ હવે તે નિયંત્રણમાં છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના બાદ આ વિસ્તારમાં એકત્ર થયેલી મૈતેઈ સમુદાયની મહિલાઓને સુરક્ષા દળોએ આગળ વધતા અટકાવી દીધી હતી. આ ઉપરાંત વિસ્તારમાં પરિસ્થિતિને સંભાળવા માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
મણિપુરમાં હિંસા ક્યારથી શરૂ થઈ?
મણિપુરમાં મે મહિનાથી હિંસા ચાલુ છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકજૂથ માર્ચ બાદ 3 મેના રોજથી જાતીય હિંસા ફાટી નીકળી હતી. હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ સાથે જ અનેક લોકોને વિસ્થાપિત પણ થવું પડ્યું હતું. આ ઉપરાંત અનેક લોકોના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.