પાકિસ્તાનમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાય સાથે અત્યાચારનો દોર જારી રહ્યો છે. હિન્દુ અને લઘુમતી સમુદાયની યુવતીઓના અપહરણનો દોર જારી રહ્યો છે. સિંધમાં હિન્દુ યુવતીના અપહરણના વિરોધમાં જોરદાર દેખાવ થતા તંગદિલી વધી છે. બે મહિનાના ગાળા આવી પાંચ ઘટનાઓ બની ચૂકી છે.
સિંધ પ્રાંતના ડેરા મુરાદ જમાલી વિસ્તારમાં હિન્દુ યુવતીના અપહરણ બાદ 22 મહિના પછી પણ તેના અંગે કોઇ માહિતી મળી નથી. હવે આની સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. હિન્દુ સમુદાયના લોકો અને વેપારી સોમવારના દિવસે રસ્તા પર ઉતરી ગયા હતા. હિન્દુ સમુદાયના વરિષ્ઠ નેતાઓ મુખી માણકલાલ અને સેઠ તારાચંદના નેતૃત્વમાં રેલી યોજવામાં આવી હતી. સાથે જ યુવતીને શોધી કાઢવા અને આરોપીઓને પકડવાની માંગ કરવામાં આવી હતી.
પાકિસ્તાની અખબાર ‘ડોન’ના અહેવાલ મુજબ દેખાવકારોએ પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો. સિંધમાં નિર્દોષ બાળકોનાં સતત અપહરણ અને ધાર્મિક લઘુમતીઓ પરના અત્યાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દેખાવકારોએ વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સિંધના સીએમ મુરાદ અલી શાહ સમક્ષ યુવતીની સુરક્ષિત વાપસી અને લઘુમતી સમુદાયને ન્યાય આપવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. સાથે સાથે ચેતવણી આપવામાં આવી હતી કે જો પગલાં લેવામાં નહીં આવે તો દેશવ્યાપી દેખાવો કરવામાં આવશે. માનવાધિકાર માટે કામ કરતી અમેરિકન સંસ્થા હિન્દુ પેક્ટ મુજબ બે મહિનામાં હિન્દુ-લઘુમતી સમુદાયની યુવતીઓનાં અપહરણની 5 ઘટનાઓ બની છે.
ઈશનિંદાના નામે હુમલા અને અત્યાચાર પણ વધી રહ્યા છે
પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર દમનની ઘટનાઓ વધી રહી છે. ધ ડોનના અહેવાલ મુજબ, ગયા વર્ષે અપહરણ, ઈશનિંદા અને હુમલાની 25થી વધુ ઘટનાઓ બની હતી. ઓગસ્ટમાં હૈદરાબાદમાં હિન્દુ સ્વચ્છતા કાર્યકર અશોકકુમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ટોળાએ ઘરને નિશાન બનાવ્યું હતું. જૂનમાં એક 15 વર્ષની હિંદુ છોકરીનું ધર્માંતરણ થયું હતું.