જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થયા બાદ બિહારમાં સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વચ્ચે જાતિ આધારિત વસતી ગણતરીને લઈને સતત નિવેદનબાજી થઈ રહી છે ત્યારે હવે આ મુદ્દે સ્વામી રામભદ્રાચાર્યએ પણ એક મોટું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે જાતિના આધારે નહીં પણ રામ-કૃષ્ણની વાત કરશે તે જ રાજ કરશે.
સ્વામી રામભદ્રાચાર્યએ જાતિ ગણતરીના નિર્ણયનો વિરોધ કરતા આ વાત કહી
ચિત્રકૂટના તુલસી પીઠાધીશ્વર પદ્મ વિભૂષણથી સન્માનિત સ્વામી રામભદ્રાચાર્યના નિવેદન બાદ બિહારના લોકો અને રાજકીય પક્ષો વચ્ચે નિવેદનબાજી શરુ થઈ હતી. સ્વામી રામભદ્રાચાર્યએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના જાતિ આધારિત વસતી ગણતરીના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે જાતિના આધારે મત મળશે નહીં પણ રામ અને કૃષ્ણની વાત કરનાર જ રાજ કરશે.
જાતિના આધારે હિન્દુઓને વિભાજિત ન કરવા જોઈએ : સ્વામી રામભદ્રાચાર્ય
સ્વામી રામભદ્રાચાર્યએ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પર હિન્દુઓમાં ભાગલા પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ લોકોને કોણ સમજાવશે કે જાતિના આધારે હિન્દુઓને વિભાજિત ન કરવા જોઈએ અને હવે જાતિના નામે મત નહીં મળે પણ હવે ફક્ત કામ કરનારને જ મત મળશે. સ્વામી રામભદ્રાચાર્યએ પશ્ચિમ ચંપારણના બગહામાં રામનગરના અર્જુન વિક્રમ શાહ સ્ટેડિયમમાં ચાલી રહેલી રામકથા દરમિયાન આ વાત કહી હતી.