સામાજિક સેવાના આ અભિયાન માટે બીવીપી, કપડવંજ દ્વારા 11,000 નો સહયોગ અપાયો
ઉનાળામાં વરસતી કાળઝાળ ગરમીમાંથી બચવા માટે અને વૃક્ષ અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે કપડવંજ શહેરમાં સામાજિક વનીકરણ વિભાગ, નડિયાદ તથા સામાજિક વનીકરણ રેન્જ, કપડવંજના ફોરેસ્ટ ઓફિસર વિનલ પટેલ, નગરપાલીકા પ્રમુખ વર્ષા પંચાલ, ભારત વિકાસ પરિષદ કપડવંજના પ્રમુખ ડો.અલ્પેશ રાવલ, મંત્રી શાંતિલાલ પ્રજાપતિ તથા વૃક્ષ પ્રેમીઓ હરેશ કા.પટેલ, ગોપાલ શાહ, ધવલ પટેલ, સુરેશ પારેખ અને રાઘવ દવે ધ્વારા વિનામૂલ્યે વૃક્ષના રોપા વિતરણ “વૃક્ષ વંદના” કાર્યક્રમ અત્રેના લાયન્સ ક્લબ પાસે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ, નડિયાદ તથા સામાજિક વનીકરણ રેન્જ, કપડવંજ તરફથી અલગ-અલગ પ્રકારના વૃક્ષના 2500 રોપા આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ એ માનવજાતનું અભિન્ન અંગ હોવાનું જણાવી ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે વૃક્ષોની જરૂરિયાત હોવાનું જણાવી સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા સાથે તેનું જતન,સિંચન, માવજત કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે તેઓએ આયોજકો અને સૌ વૃક્ષ પ્રેમીઓની આ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખા તરફથી પ્રમુખ અને મંત્રી દ્વારા સામાજિક સેવાના આ કાર્ય માટે આયોજકોને રૂપિયા 11,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ અંગે મુખ્ય આયોજક હરીશ કાછીયા પટેલના જણાવ્યા મુજબ જે વૃક્ષ પ્રેમી પોતાના મકાન કે સોસાયટીમાં વૃક્ષ રોપીને ઉછેર કરવાની જવાબદારી સ્વીકારી છે તેમને વૃક્ષના રોપા સાથે અભિનંદન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે વૃક્ષ પ્રેમીઓએ અગાઉથી પોતાની જરૂરિયાત મુજબ ફોન કરીને ડિમાન્ડ લખાવી હતી અને 10 થી વધારે ખાડા કરવા ડિમાન્ડ મુજબ આયોજકો ધ્વારા ખાડા ખોદી આપવામાં આવ્યાં હતાં. ટ્રી ગાર્ડની જરૂર હોય તેઓને લિમિટ સંખ્યામાં વ્યાજબી ભાવે ટ્રી ગાર્ડ પણ આપવામાં આવ્યાં હતાં.
આ વૃક્ષ વંદના કાર્યક્રમમાં સમગ્ર શહેરભરમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અનેક સોસાયટીઓ તથા સંસ્થાઓ દ્વારા વૃક્ષા રોપણ, સિંચન અને તેની ઉછેરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.