ક્રુઝ ડ્રગ્સ પ્રકરણે શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાન સામે કાર્યવાહી કરનાર એનસીબીના તત્કાલિન વિભાગીય ડાયરેકટર સમીર વાનખેડેની પૂછપરછ બાદ હવે સીબીઆઇએ વાનખેડેના પિતા અને બહેનને સમન્સ મોકલ્યા છે તે મુજબ આજે સીબીઆઇની ઓફિસમાં વાનખેડેના પિતા જ્ઞાાનદેવ વાનખેડે અને તેની બહેનની પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઇની જે ટીમે સમીર વાનખેડેની પૂછપરછ કરી છે તે ટીમ તેના પિતા અને બહેનની પૂછપરછ કરશે.
એનસીબીની વિજીલન્સ ટીમના એક અહેવાલને આધારે સીબીઆઇએ એનસીબીના તત્કાલિન સુપ્રિન્ટેન્ડન્ટ વી.વી. સિંહ, ઇન્ટેલિજન્સ ઓફિસર આશિષ રંજન સહિત કે.પી. ગોસાવી અને સેનવિલ ડિસોઝા નામની બે વ્યક્તિઓ સામે પણ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે.
આર્યનને છોડવા માટે વાનખેડેએ ૨૫ કરોડ રૃપિયાની ખંડણી માગી હોવાના આરોપ હેઠળ સીબીઆઇએ એફઆઇઆર નોંધી આ પ્રકરણે તપાસ શરૃ કરી છે. આ પ્રકરણે સીબીઆઇની ટીમે સતત બે દિવસ લાગલગાટ વાનખેડેની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ વાનખેડેએ અદાલતનું શરણું લેતા અદાલતે તેને આઠ જૂન સુધીની રાહત આપી પૂછપરછમાં સહકાર આપવા જણાવ્યું હતું. તેથી સમીર વાનખેડેને અમૂક અંશે દિલાસો મળ્યો હતો. સીબીઆઈએ વાનખેડે સામે કેસ દાખલ કર્યો ત્યારે વાનખેડેના પિતા તથા બહેનને ત્યાં પણ દરોડા પાડયા હતા.
ભ્રષ્ટાચાર અને ખંડણીનો ગુનો દાખલ થયા બાદ અડચણમાં આવી ગયેલા એનસીબીના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેએ તેના જીવને જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો હતો. યુપીનના ગેન્ગસ્ટર અતિક અહેમદની જેમ મારી સાથે પણ અઘટિત ઘટના બની શકે છે તે મુજબનો એક પત્ર પણ તેમણે મુંબઇના પોલીસ કમિશનર ફણસલકરેને લખ્યો હતો. આ પત્ર દ્વારા વિશેષ સંરક્ષણની માગણી પણ કરવામાં આવી હતી.