ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી ફેડરેશનના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધના મહિલા પહેલવાનોના આરોપો મામલે દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું કે, પોલીસને બૃજભૂષણની ધરપકડ માટે હજુ સુધી કોઈ પૂરતા પુરાવા મળ્યા નથી. અમે 15 દિવસમાં કોર્ટને રિપોર્ટ સોંપીશું, જે ચાર્જશીટ કે ફાઇનલ રિપોર્ટના રૂપમાં હશે. એફઆઇઆરમાં ઉમેરવામાં આવેલી પોક્સો એક્ટની કલમો 7 વર્ષથી ઓછી જેલની જોગવાઈઓ ધરાવે છે, જેથી તપાસ અધિકારી આરોપીની ધરપકડ કરી શકે તેમ નથી. વળી, બૃજભૂષણ સાક્ષીઓને ડરાવી-ધમકાવી નથી રહ્યા કે પુરાવાનો નાશ પણ નથી કરી રહ્યા. આ સંજોગોમાં તેમની ધરપકડ કરવા માટેનો કોઈ આધાર નથી.
બીજી તરફ બૃજભૂષણે પહેલવાનોને કહ્યું કે, મારી સામેનો એક પણ આરોપ સાબિત થાય તો હું જાતે ગળાફાંસો ખાઈ લઈશ. તમારી પાસે કોઈ પુરાવા હોય તો કોર્ટમાં રજૂ કરો, હું કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું. તમારા મેડલ્સ ગંગાજીમાં વહાવશો એટલે સરકાર મને ફાંસીએ નહીં લટકાવી દે. કોર્ટમાં પુરાવા રજૂ કરો. કોર્ટ મને ફાંસીની સજા કરશે તો મને તે સ્વીકાર્ય હશે.