દિવાસો : શ્રાવણિયા તહેવાર નો શુભારંભ….
દિવાસો આવે એટલે કહેવાય કે બસ હવે તો દિવાળીને સો દા’ડા. નાનપણમાં દિવાસો અને દિવાળીનું ક્નેક્શન ક્યારેય મને સમજાતું જ નહીં, પરંતુ બા જીવતાં હતાં ત્યારે દર વર્ષે દિવાસાને દિવસે બા ના મુખે આ વાક્ય તો અચૂક સાંભળવા મળતું, ધીરે ધીરે તો એ વાક્ય સાંભળવાની આદત પડી ગયેલી. દિવાસો આવે એટલે એવું લાગે કે જાણે હમણાં બા બોલશે ને દિવાળી પણ આવી જશે… અને દિવાળી એટલે રજા અને મજા.
પ્રશ્નો પૂછવા જેવડી સમજણ આવી ત્યારથી મમ્મી ને પૂછતો ,’ મમ્મીલ, કે’ને આ દિવાસાના દિવસથી દિવાળીને સો દિવસ કેમ? ’ મમ્મી સમજાવતા કે’તી કે હવે ત્રણ મહિનામાં દિવાળી આવી પહોંચવાની, એટલે તરત કેલેન્ડર લઇને સો દિવસ ગણવા બેસી જાઉં. દિવાળી સુધી પહોંચતા કેલેન્ડર ના દિવસો ૧૦૦ ની આસપાસના રહેતાં
એટલે વળી પાછું મારું બાળમાનસ મૂંઝાતું કે સો દિવસ તો થતાં નથી?! એટલે મૂંઝાઇને ફરી પાછો મમ્મી ને એકનો એક સવાલ કર્યા કરતો… મારી મમ્મી જરાય કંટાળ્યા વિના વાંસો પસવારતાં પસવારતાં મને દિવાસાનું મહત્વ, જુદી જુદી જગ્યાએ દિવાસો કેવી રીતે ઊજવાય છે તેની રસપ્રદ માહિતી આપીને સમજાવતી રહેતી, એ વખતે ખબર નહોતી કે મમ્મી એ આપેલી માહિતી આ રીતે ઉપયોગી થઈ પડશે.
ધીરે ધીરે મોટા થયા એટલે ખબર પડી કે વડિલ વ્યક્તિઓનું આ ગણિત હતું. દિવાસાના બીજા દિવસથી શરૂ થતો શ્રાવણ પછી ભાદરવો અને આસોમાં દિવાળી. મમ્મી અને તેમના જેવા બીજા અન્ય અને વૃદ્ધજનોનું એ પાકું ગણિત હતું. ભલે દિવાળીને પૂરા ૧૦૦ દિવસ બાકી ન રહેતાં હોય, પરંતુ આશરે તેમની ગણતરી સો દિવસની ઘણી નજીક રહેતી હતી. આજે પણ દિવાસો આવતાં આ બાબતો ચોક્કસ સાંભળી આવતી હોય છે.
દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. આપણા કૃષિપ્રધાન દેશમાં અમારા જેવા ખેડૂત પરિવારમાં દિવાસાનું વિશેષ મહત્વ હતું અને આજે પણ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.
એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે, અમે ચરોતર માં બેસનના તીખા પૂડા તો ક્યાંક માલપૂઆ કે માલપૂડા બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.
દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.
દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા – અર્ચના કરે છે.
અહીં દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને તો દિવાસો એટલે એય ને સૌથી મોટી ઉજાણી, અમારી ઔધોગિક નગરી વાપી માં પણ આજે સ્થાનિક મેળો ભરાય છે જ્યાં ચગડોળ જેવા રાઇડસ તો નથી હોતા પણ મેળા ની મજા તો નાના-મોટા સૌના પીપૂડા ના સૂર માં વરતાય જ.
દિવાસો ક્યારે ઉજવાય છે ?
દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે. તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે.
દિવાસો શબ્દની સંધિ છૂટી પાડવા જઇએ તો, દિ + વાસો (વાસ) એમ થાય છે. દિવાસાનો તહેવાર, તે દિવસ પછી આવનાર તહેવારોના દિવસોના વાસ (ઘર) તરીકે ઉજવવામાં આવે છે.
દિવાસાના બીજે દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે, જે આખો મહિનો પવિત્ર છે. ત્યાર પછી ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજ જેવા વ્રતો અને મહાલય/શ્રાદ્ધ આવે છે. ત્યાર પછી આવતા આસો માસ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ધરાવે છે. કારતકની શરૂઆતના પંદર દિવસ ચાતુર્માસના છેલ્લા દિવસો હોય છે. આમ, દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના ૧૦૦ દિવસો તહેવાર રૂપ હોવાથી, દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે.