ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જ્યારે રેસ્ક્યુ ટીમ અકસ્માતના 18 કલાક પછી ઘટનાસ્થળે પહોંચી શકી, ત્યારે ત્યાં કોઈ પણ જીવિત હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા.
સૂત્રોનું કહેવું છે કે આ અકસ્માતમાં રાયસીનું મોત થઈ ગયું છે. આ અકસ્માત અઝરબૈજાનના ગીચ જંગલ અને પહાડી વિસ્તારમાં થયો હતો. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ઉપરાંત વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ મુસાફરી કરી રહ્યા હતા.
ઈબ્રાહિમ રાયસી કયા હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા?
અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ઈબ્રાહિમ રાયસી અમેરિકા મેડ બેલ 212 હેલિકોપ્ટરમાં સવાર હતા. આ હેલિકોપ્ટર બેલ ટેક્સ્ટ્રોન ઇન્ક દ્વારા બનાવવામાં આવ્યું છે. Bell Textron Inc. એ અમેરિકન એરોસ્પેસ ઉત્પાદક છે. આ કંપનીનું મુખ્ય મથક ફોર્ટ વર્થ, ટેક્સાસમાં છે. 15 સીટવાળા આ પ્લેનમાં કુલ 9 લોકો સવાર હતા તેવુ કહેવાય છે. ઘટનાસ્થળની તસવીરો પણ સામે આવી છે, જેમાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. મિલિટરી અને કોમર્શિયલ સિવાય આ હેલિકોપ્ટરનો ઉપયોગ નાગરિક ઉપયોગ માટે પણ થાય છે.
બેલ 212 હેલિકોપ્ટર (ચોપર) વિશેષતા શું છે
બેલ 212 એ મધ્યમ કદનું ટ્વીન એન્જિન હેલિકોપ્ટર છે. પાયલોટ સિવાય તેમાં કુલ 14 લોકો માટે બેસવાની જગ્યા હોય છે. આ હેલિકોપ્ટરને સૌપ્રથમ 1960 માં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણી વખત આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર પણ બન્યું છે.
આ હેલિકોપ્ટર અકસ્માતનો પહેલો કિસ્સો 1997 માં સામે આવ્યો હતો. તે પછી તે લ્યુઇસિયાનાના કિનારે ક્રેશ થયું. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. 2009 માં પણ કેનેડામાં અકસ્માતમાં 17થી 18 લોકોના મોત થયા હતા.
કોણ હતા ઈબ્રાહિમ રાયસી?
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો જન્મ 14 ડિસેમ્બર 1960 ના રોજ ઉત્તર-પૂર્વ ઈરાનના મશહદ શહેરમાં થયો હતો. તેમના પિતા મૌલવી હતા. રાયસી જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. રાયસી જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે મોહમ્મદ રેઝા શાહ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાયસી ઈરાનના 8મા રાષ્ટ્રપતિ હતા. તેઓ 2006માં પ્રથમ વખત ચૂંટાયા હતા.
ઈબ્રાહિમ રાયસીએ ઈરાનની ન્યાયિક પ્રણાલીમાં નાયબ મુખ્ય ન્યાયાધીશ (2004–2014), એટર્ની જનરલ (2014–2016), અને મુખ્ય ન્યાયાધીશ (2019–2021) જેવા અનેક પદો પર સેવા આપી હતી. તેઓ 1980 અને 1990 ના દાયકામાં તેહરાનના ફરિયાદી અને નાયબ ફરિયાદી પણ હતા. તેઓ 2016 થી 2019 સુધી એસ્ટોન કુદ્સ રઝાવીના આશ્રયદાતા અને પ્રમુખ પણ હતા.