વાતાવરણમાં બદલાવને કારણે બીમારીઓના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુ અને તાવના કેસનો રાફડો ફાટ્યો છે, ઘણા કિસ્સામાં તાવને કારણે દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે, સ્થિતી ગંભીર છે માત્ર ડેન્ગ્યુ જ નહીં સિઝનલ ફ્લૂના કેસ પણ વધવા લાગ્યા છે. બદલાતા હવામાનને કારણે તાવ અને બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે.
ડેન્ગ્યુના ડરને કારણે ઘણા લોકો ફ્લૂના લક્ષણો દેખાય કે તરત ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવે છે,સમસ્યા એ છે કે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂના મોટાભાગના લક્ષણો સમાન હોય છે. જેના કારણે લોકોમાં આ બંને બીમારીઓને લઈને ભારે અસમંજસ જોવા મળી રહી છે. ઘણા લોકો સિઝનલ ફ્લૂના લક્ષણો દર્શાવ્યા બાદ જ ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ તેમનામાં ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે.આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સિઝનલ ફ્લૂ અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું તફાવત છે?
સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂના મોટાભાગના લક્ષણો સમાન છે. તેનાથી તાવ, શરદી, સ્નાયુમાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે, પરંતુ ડેન્ગ્યુના કેટલાક લક્ષણો ફ્લૂથી તદ્દન અલગ હોય છે. જેને તમે આ રીતે ઓળખી શકો છો.
ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ વચ્ચે તફાવત
ડૉ. કિશોર સમજાવે છે કે ડેન્ગ્યુમાં શરીર પર લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. ફ્લૂમાં તાવ 100 કે 101 ડિગ્રી સુધી રહે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ 104 ડિગ્રી સુધી જાય છે. ડેન્ગ્યુથી ઉલ્ટી અને ઝાડા થાય છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. સિઝનલ ફ્લૂમાં તાવ વધે છે અને ઉતરે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ ચાલુ રહે છે.
ડૉક્ટરની સલાહ લો
જો તમને ફ્લૂના લક્ષણો જણાય છે અને બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે આ સમયે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ સિવાય ટાઈફોઈડના કેસ પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાવના કિસ્સામાં બે દિવસથી વધુ રાહ ન જોવી અને ડેન્ગ્યુ માટે પરીક્ષણ પણ કરાવવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના સમયસર નિદાનથી દર્દીમાં ગંભીર લક્ષણો ઘટાડી શકાય છે.