ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટ દ્વારા મોતની સજા આપવામાં આવી છે. આ ઓફિસર છેલ્લા એક વર્ષથી તેમની કેદમાં છે. એ સમયે તેઓ અલ દહરા નામની પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. આખરે કતાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ ફાંસીની સજા મેળવનાર આ ભારતીયો પર શું છે આરોપ અને ભારત સરકાર આ મામલે શું કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે, તે જાણીએ.
કોણ છે સજા મેળવનાર આ 8 ભારતીય નૌસૈનિક?
ઓગસ્ટ 2022માં ધરપકડ કરાયેલા કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ સામેલ છે. દરેક અધિકારીઓનો ભારતીય નૌસેનામાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે. તેમજ તેમને સૈનિકોના પ્રશિક્ષણ સહિતના મહત્વપૂર્ણ પદ પર પણ કામ કર્યું છે.
વર્ષ 2019 માં, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા, જે વિદેશી ભારતીયોને આપવામાં આવેલું સર્વોચ્ચ સન્માન છે. તે સમયે, દોહા સ્થિત ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું હતું કે કમાન્ડર તિવારીને વિદેશમાં ભારતનું સન્માન વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
તેઓ કતારમાં શું કરતા હતા?
આ આઠ ભારતીય નાગરિકો એક પ્રાઈવેટ ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપની – દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ માટે કામ કરતા હતા. જે કતારની આર્મી ફોર્સને ટ્રેનિંગ અને અન્ય સેવા આપવાનું કામ કરે છે. આ પ્રાઈવેટ કંપની રોયલ ઓમાની એરફોર્સના સેવાનિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ-અજમીની માલિકીની છે. તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને ગયા વર્ષે નવેમ્બર 2022માં છોડી દેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર 31 મેના રોજ આ કંપની બંધ થઇ ગઈ હતી. જેમાં 75 ભારતીયો ખૂબ જ સંવેદનશીલ પ્રોજેક્ટ (ગુપ્ત વિશેષતાઓ સાથે ઇટાલિયન ટેક્નોલોજી પર આધારિત નાની સબમરીન) પર કામ કરી રહ્યા હતા. જેમાં મોટાભાગે નૌસેનાના ભૂતપૂર્વ ઓફિસર હતા. કંપની બંધ થતા આ બધા ભારતીયોને નોકરીમાંથી કાઢી મુકાયા હતા.
શા માટે ભારતીયોની ધરપકડ કરવામાં આવી?
30 ઓગસ્ટ, 2022 ના રોજ કતારની ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે ન તો કતારના અધિકારીઓ દ્વારા કે ન દિલ્હીએ હજુ સુધી આ ભારતીય નાગરિકો વિરુદ્ધ આરોપોને હજુ સુધી જાહેર કર્યા નથી. રિપોર્ટ અનુસાર તેમની ગયા વર્ષે જાસૂસીના એક કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
25 માર્ચના રોજ તેમના વિરુદ્ધ આરોપ લગાવીને તેમના પર કતાર કાયદા મુજબ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમજ તેમની જામીન અરજીઓ પણ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી અને ગુરુવારે કતારની કોર્ટે પહેલી જ હિયરીંગમાં તેમના વિરુદ્ધ ફાંસીનો ચુકાદો આપ્યું હતો.
આ મામલે ભારત સરકાર શું કરી રહી છે?
કતારની કોર્ટના નિર્યણ પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે આ કેસમાં ભારતીય ઓફિસરને આપવામાં આવલી ફાંસીની સજાથી ખુબ જ સ્તબ્ધ છે અને તે આ કેસના વિસ્તૃત ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. મંત્રાલય તેમના પરિવારના સભ્યો અને લો ફર્મના સતત સંપર્કમાં છે અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે.
હવે આગળનો રસ્તો શું છે?
આ કેસ બાબતે સીનીયર એડવોકેટ આનંદ ગ્રોવર જણાવે છે કે આંતરરાષ્ટ્રીય કાયદો અને ICCPRની જોગવાઈ મુજબ અમુક બાબતોને બાદ કરતા સામાન્ય રીતે ફાંસીની સજા ન આપવી જોઈએ. તેમને જણાવ્યું કે ભારત પાસે ઘણા રસ્તાઓ છે….
જેમાં પહેલું એ કે ભારત કતારની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું નથી અથવા તો અપીલ સાંભળવામાં નથી આવતી તો ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટ પણ જઈ શકે છે.
આ સિવાય ફાંસીની સજા રોકવા માટે ભારત રાજકીય સ્તર પર પણ દબાણ કરી શકે છે. આ ઉપરાંત NGO અને સિવિલ સોસાયટી પણ આ મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉઠાવી શકે છે. તેમજ ભારત UN પાસે પણ જઈ શકે છે.