ભારતમાં હમણાં રાજકીય રીતે ઉથલપાથલ ચાલે છે તેથી એક મહત્વના સમાચાર તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ રીપોર્ટ પ્રમાણે, ભારતે રાવી નદી પર શાહપુર કાંડી બેરેજનું બાંધકામ પૂરું કરી દેતાં રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જતું બિલકુલ બંધ થઈ ગયું છે અને રાવીનું એક ટીપું પણ પાણી હવે પાકિસ્તાનમાં નહીં જાય. પંજાબ અને જમ્મુ તથા કાશ્મીર સરહદે બનેલા શાહપુર કાંડી બેરેજના કારણે અત્યાર સુધી પાકિસ્તાનમાં જઈને વેડફાતા ૧૧૫૦ ક્યુસેક પાણીનો ઉપયોગ ભારતમાં પંજાબ અને જમ્મુ તથા કાશ્મીરમાં સિંચાઈ માટે કરી શકાશે. આ બંને રાજ્યોમાં કુલ મળીને ૧.૫૦ લાખ વિઘા ખેતી માટે પાણી મળશે. સાથે સાથે વીજળી પણ પેદા થશે તેથી બંને રાજ્યોને મોટો ફાયદો થશે.
શાહપુર કાંડી બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત ૧૯૯૫માં પી.વી. નરસિંહરાવે કરેલું તેથી લગભગ ત્રણ દાયકા પછી યોજના પૂરી થઈ છે. શાહપુર કાંડી બેરેજ બહુ મોટો બંધ નથી કે તેને પૂરો કરવા માટે ત્રણ દાયકા લાગે. આ બહુ વખાણવા જેવી વાત નથી.પણ ભારતમાં બધું કામ આ રીતે જ ચાલે છે તેથી કશું કહેવા જેવું નથી. ખેર, દેર આયે દુરસ્ત આયે, મોડે મોડે પણ ખેડૂતોને તેનો ફાયદો મળશે એ મોટી વાત છે.
શાહપુર કાંડી બેરેજ પૂરો થયો એ સાથે તેનું પ્રકરણ પૂરું થયું પણ સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટ્સ થઈ કે ભારતે રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં ના જાય એ રીતે શાહપુર કાંડી બેરેજ બંધ બાંધ્યો એ રીતે ભારતે સિંધુ નદીનું પાણી રોકીને પાકિસ્તાનના બાર વગાડી દેવા જોઈએ. આ વાત પણ આમ તો જૂની છે. ૨૦૧૬માં કાશ્મીરના ઉરીમાં આપણા આર્મી કેમ્પ પર પાકિસ્તાનના આતંકીઓએ હુમલો કર્યો ત્યારે સોશિયલ મીડિયા પર ઝુંબેશ જ ચાલેલી કે, પાકિસ્તાનની હલકટાઈઓનો જવાબ આપવા સિંધુનું પાણી રોકી જેવું જોઈએ. હવે પાછી એ જ વાતો શરૂ થઈ છે.
આ વાતો કોણ કરી રહ્યું છે તેની લપ્પનછપ્પનમાં પડવા જેવું નથી. સોશિયલ મીડિયા પર આ બધી વાતો સારી લાગે પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી. રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જઈને વેડફાતું હતું એ ભારતે બંધ કર્યું છે પણ એક પણ ટીપું પાણી પાકિસ્તાનમાં ના જાય એવું કર્યું નથી કેમ કે એ શક્ય જ નથી. ભારતે સિંધુ જળ સંધિ હેઠળ આ બંધ બાંધ્યો છે તેથી પાકિસ્તાનને તેની સામે વાંધો નથી પણ ભારત સિંધુ, ચિનાબ કે ઝેલમ નદીનાં પાણી રોકે તો આંતરરાષ્ટ્રીય મુદ્દો બની જાય. તેના કરતાં મોટો ખતરો એ છે કે, પાકિસ્તાનની મદદે ચીન આવી જાય અને ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે.
સિંધુ નદી પાકિસ્તાનમાં ભારત થઈને જાય છે પણ તેનું મૂળ તિબેટમાં છે. સિંઘુ તિબેટના પશ્ચિમ ભાગમાંથી નિકળે છે. કૈલાસ પર્વત અને કૈલાસ માનસરોવરની નજીકથી નિકળીને સિંધુ ભારતના લદાખમાં આવે છે. લદાખથી પાકિસ્તાને પચાવી પાડેલા ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે ને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાં જાય છે.
આપણે લદાખમાં સિંધુને રોકી દઈએ ને પાકિસ્તાન સુધી તેનું પાણી ના જવા દઈએ તો ચીન તિબેટથી જ સિંધુને રોકી દે. સિંધુમાં હિમાલયનો જે ભાગ ભારતમાં છે તેમાંથી પણ પાણી આવે છે તેથી સિંધુ સાવ સૂકાય નહીં પણ ચીન તેને પોતાની તરફ વાળે તો પાણી ત્રીજા ભાગનું થઈ જાય. સિંધુ ભારતના ભાગમાં નથી આવેલી તેથી સિંધુના પાણીની ભારતને જરૂર નથી પણ પાકિસ્તાનને સારું લગાડવા ચીન બ્રહ્મપુત્રાનું પાણી પણ રોકી શકે.
બ્રહ્મપુત્રા ચીનમાંથી નિકળે છે. ચીનમાં યારલુંગ ઝાંગબો તરીકે ઓળખાતી બ્રહ્મપુત્રા ભારતથી બાંગ્લાદેશ જાય છે. ભારતમાં અરૂણાચલ પ્રદેશથી પ્રવેશીને બ્રહ્મપુત્રા આસામમાં જાય છે. આસામ, અરૂણાચલ પ્રદેશ સહિતનાં ઉત્તર-પૂર્વનાં બધાં રાજ્યો બ્રહ્મપુત્રા પર નિર્ભર છે.
ભારતે બ્રહ્મપુત્રા-યમુના લિંક બનાવીને તેનું પાણી યમુના નદીમાં વાળ્યું હોવાથી ઉત્તર ભારતને પણ બ્રહ્મપુત્રા નદીના પાણીનો ભરપૂર લાભ મળે છે. ભારત સિંધુનું પાણી રોકી દે તો ચીન સિંધુની સાથે સાથે બ્રહ્મપુત્રાનું પાણી રોકી શકે છે. ટેકનોલોજીમાં રાક્ષસી તાકાત ધરાવતું ચીન ગમે તે કરી શકે તેમ છે. બ્રહ્મપુત્રા નદી પર ૧૧ મોટા ડેમ બાંધીને તેનું મોટા ભાગના પાણી પર કબજો કરવાની ચીનની મેલી મુરાદ જગજાહેર છે જ તેથી તક મળતાં જ એ બ્રહ્મપુત્રાના પાણી પર કબજો કરવા કૂદી જ પડે. સિંધુ નદીના મુદ્દે પાકિસ્તાનને સળી કરવાના ઉત્સાહમાં ચીનને એ તક આપવી ભારતને પરવડી શકે તેમ નથી.
ભારત વરસોથી સિંધુ જળ સંધિનું ચુસ્ત રીતે પાલન કરે છે કેમ કે ભારત પાકિસ્તાનની ડેમ હલકટાઈઓ કરવામાં માનતું નથી. બીજું એ કે, સિંધુ નદીનું પાણી રોકીને પણ ભારત તેનું શું કરે ? ભારતમા મોટી મોટી નદીઓ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી છે. પ્રશ્ન આ પાણીનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવાનો છે.
ભારતે સતલજ, બિયાસ ને રાવિ એ ત્રણ નદીનાં પાણીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સતલજ પરના ભાખરા-નાંગલ બંધે પંજાબ-હરિયાણાને સમૃધ્ધ બનાવ્યું છે. ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું તેનું કારણ આ નદીઓ છે. મોટા ઉદ્યોગો વિના ખેતીના જોરે પંજાબ-હરિયાણા ભારતમાં સૌથી સુખી રાજ્ય આ નદીઓના કારણે બન્યાં છે. ઉત્તર ભારતમાં બીજાં રાજ્યોમાં પણ સતલજની નહેરો પહોંચતાં આ રાજ્યોમાં પણ લીલાલહેર છે. ભારતે ભાખરા નંગાલ બંધ બાંધીને ભારતે આખા ઉત્તર ભારતની સિંચાઈની સમસ્યા ઉકેલી એ રીતે બીજી નદીઓ પર બંધ બાંધીને ભારત બીજાં રાજ્યોની પાણીની સમસ્યા ઉકેલી શકે છે. તેના માટે સિંધુનું કે પાકિસ્તાનને ભાગે આવેલી બીજી કોઈ નદીનું પાણી રોકવાની જરૂર નથી.
પાકિસ્તાનના ફફડાટના કારણે સિંધુ જળ સંધિ થઈ, 3 નદી ભારતને મળી, ૩ પાકિસ્તાનને
ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેંચણી માટે ૧૯૬૦માં સિંધુ જળ સંધિ થઈ હતી. આ જળ સંધિમાં વર્લ્ડ બેંકે મધ્યસ્થી કરેલી. ભારત વતી જવાહરલાલ નહેરૂ ને પાકિસ્તાન વતી અયુબ ખાન તેના પર સહી કરેલી. આ સંધિ પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં થઈને વહેતી છ મોટી નદીમાંથી ત્રણ-ત્રણ નદી બંને દેશોને વહેંચી દેવાઈ છે. ભારતના ભાગે બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદી આવી હતી જ્યારે પાકિસ્તાનના ભાગે સિંધુ, ચેનાબ અને ઝેલમ નદી આવી.
આ સંધિ પ્રમાણે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ પોતાને મનફાવે એ રીતે કરી શકે. ભારત સિંચાઈ, ટ્રાન્સપોર્ટ, પાવર જનરેશન માટે આ ત્રણ નદીઓના પૂરેપૂરા પાણીનો ઉપયોગ કરી શકે પણ તેના કાંઠે ઉદ્યોગો કે બીજા પ્રોજેક્ટ ઉભા કરીને આ નદીઓના પાણીનો ઉપયોગ ઉદ્યોગો કે પ્રોજેક્ટ માટે ના કરી શકે. ભારત ચોક્કસ માત્રામાં પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ડેમ પણ બનાવી શકે. આ ડેમ બનાવતી વખતે પાકિસ્તાનને અમુક માત્રા કરતાં ઓછું પાણી ના મળે તેનું પણ ધ્યાન રાખવું પડે.
પાકિસ્તાનને ફફડાટ હતો કે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીનાં પાણી રોકીને તેને ત્યાં પાણીની કૃત્રિમ અછત ઉભી કરીને દુકાળ લાવી શકે. પાકિસ્તાને આ ડર યુ.એન.માં વ્યક્ત કર્યો તેના પગલે આ સંધિ કરાઈ હતી.
ભારત સિંધુ જળ સંધિ તોડે તો ચીન ભારતને પરેશાન કરે
ભારત સિંધુ જળ સંધિનો ભંગ કરે તેથી ચીન ભારતને પરેશાન કરે જ કેમ કે પાકિસ્તાન અને ચીન એક જ છે. ચીને પહેલાં જ તિબેટમાં બ્રહ્મપુત્રા નદીને મળતી કેટલીત નાની નદીઓને રોકીને બ્રહ્મપુત્રાનો પ્રવાહ ઓછો કરી દીધો છે. ચીને બ્રહ્મપુત્રામાં ભળતી ઝિયાબુક્યુ નદી પર તિબેટના ઝિગાઝેમાં લાલ્હો હાયડ્રો પ્રોજેક્ટ બનાવ્યો છે. ૭૪ કરોડ અમેરિકન ડોલરના ખર્ચે બનેલો લાલ્હો પાવર પ્રોજેક્ટ જૂન ૨૦૧૪માં શરૂ થયો હતો ને ૨૦૧૯માં પૂરો થયો. ચીન બ્રહ્મપુત્રામાં ભળતી બધી નાની નદીઓનું પાણી આ ડેમ તરફ વાળીને બ્રહ્મપુત્રાનું પાણી ઘટાડી શકે.
આ સિવાય ચીન બ્રહ્મપુત્રા પર તિબેટમાં ઝામ હાયડ્રોપાવર પ્રોજેક્ટ બનાવ રહ્યું છે. ૧.૫૦ અબજ ડોલરનો આ પ્રોજેક્ટ તિબેટનો સૌથી મોટો પાવર પ્રોજેક્ટ હશે. ભારતે તેની સામે વાંધો લીધો છે ને તેના કારણે પાણીનો પ્રવાહ ઘટશે. બ્રહ્મપુત્રા પર ચીન બીજા ત્રણ જંગી પ્રોજેક્ટ બનાવવાનું છે. તેના કારણે ભારતને અસર થશે જ. ભારત અને ચીન વચ્ચે જળ સંધિ નહી હોવાથી ભારત ચીનનાં પગલાં સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ જઈ શકે તેમ નથી.