મહાન રાષ્ટ્રભક્ત અને ગરીબો તથા દલિતોના મસીહા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે ૧૦૭મી જન્મ જયંતિ છે. આ દિવસે દિલ્હીમાં તેઓની ૬૩ ફીટ ઊંચી સપ્તધાતુની બનેલી પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરાયું છે. નરેન્દ્ર મોદી દીનદયાળ ઉપાધ્યાયને તેઓના ગુરૂ માને છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ના દિવસે મથુરા જિલ્લાનાં ‘નગલા-ચંદ્રભાન’ ગામમાં થયો હતો. તેઓના પિતાશ્રી ભગવતીપ્રસાદ ઉપાધ્યાય રેલવેમાં આસિસ્ટંટ સ્ટેશન માસ્તર હતા. બાળપણમાં જ દીનદયાળ ઉપાધ્યાયનાં માતા-પિતાનો દેહાંત થઈ ગયો. તેઓ મોસાળમાં મોટા થયા, અભ્યાસમાં તેજસ્વી તેવા યુવાન દીનદયાળ ગ્રેજ્યુએશનથી આગળ ભણી ન શક્યા. પરંતુ સંઘના પ્રચારક તરીકે કાર્યરત રહ્યાં. આજીવન પ્રચારક રહ્યા. આજીવન અપરિણિત પણ રહ્યાં. તેઓ જનસંઘના સંસ્થાપકો પૈકી એક હતા. ૧૯૬૭માં જનસંઘના અધ્યક્ષ પણ બન્યાં.
તેમણે અંત્યોદયનો નાદ ઉઠાવ્યો. અંત્યોદયનો અર્થ થાય છે સમાજના નિમ્ન સ્તરમાં રહેલી વ્યક્તિનું ઉત્થાન.
પ્રખર રાષ્ટ્રવાદી તેવા દીનદયાળ ઉપાધ્યાયનું કહેવું હતું કે, ‘કોઈપણ દેશ પોતાનાં મૂળ કાપીને વિકાસ ન સાધી શકે. આપણે ભારતીય રાષ્ટ્રવાદ, હિન્દુ રાષ્ટ્રવાદ અને ભારતીય સંસ્કૃતિને સમજવી જોઈએ.’
દીનદયાળ ઉપાધ્યાયે કરેલાં આ ભગીરથ કાર્યને લીધે જ તેઓની જન્મજયંતિએ (૨૫ સપ્ટે.) ‘અંત્યોદય દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપનાં નેતૃત્વની સરકાર બની ત્યારે સત્તાવાર રીતે લેવામાં આવ્યો હતો.
કોઈને સહજ રીતે જ પ્રશ્ન થાય કે, અંત્યોદય માટે મહાત્માજીએ પણ ઘણું જ કાર્ય કર્યું હતું. તે સ્વીકારવા સાથે તે યાદ આપવી જરૂરી છે કે મહાત્માજીનો જન્મદિવસ ૨ ઓક્ટો. ‘અહિંસા દિવસ’ તરીકે ઉજવાય છે. યુનોએ પણ તે દિવસ ‘વિશ્વ અહિંસા દિવસ’ જાહેર કર્યો છે. જોકે તેનું પાલન થઈ શકતું નથી તે અલગ વાત છે.
દીન દયાળ ઉપાધ્યાય ‘સંઘ’ અને રાજકારણમાં કઈ રીતે જોડાયા તે પણ જાણવું રસપ્રદ છે. ૧૯૩૭માં તેઓ કાનપુરમાં બી.એ.નો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેઓના સહાધ્યાસી બાબુજી મહાશબ્દેના કહેવાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. તે પછી તેઓ સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારના નિક્ટવર્તી પણ બની રહ્યાં અને અભ્યાસ પૂરો થયા પછી સંઘના આજીવન પ્રચારક બની રહ્યાં.
આ સાથે તેઓ રાજકારણમાં પણ સક્રિય થયા જ્યારે ‘જનસંઘ’નું પ્રથમ અધિવેશન કાનપુરમાં થયું ત્યારે તેઓ તેના મહામંત્રી બન્યા, તે અધિવેશનમાં પસાર કરાયેલા ૧૫ પ્રસ્તાવો પૈકી ૭ પ્રસ્તાવો તો તેઓએ જ રજૂ કર્યા હતા. આ પછી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કહ્યું કે ‘જો મને બે દીન દયાળ મળી જાય તો હું ભારતનાં રાજકારણનો નકશો બદલી નાખી શકું.’
ઉપાધ્યાય જનસંઘના અધ્યક્ષપદે પણ નિર્વાચિત થયા. (૧૯૬૮) તે પદ ઉપર તેઓ માત્ર ૪૩ દિવસ જ રહ્યા ત્યારે ૧૦/૧૧ ફેબુ્રઆરી ૧૯૬૮ની રાત્રીએ મુઘગ સરાઈ રેલવે સ્ટેશન ઉપર તેઓની હત્યા થઈ ગઈ. વીજળીવેગે તે સમાચાર દેશમાં પ્રસરી રહ્યા, રાષ્ટ્ર ઉપર શોકની કાલિમા છવાઈ ગઈ.