ભાજપે ગઈકાલે પંજાબ, તેલંગાણા અને ઝારખંડ સહિત ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા સંગઠનમાં આ ફેરફાર ભાજપની રાજ્યવાર રણનીતિના સૂચક છે. આ સાથે ભાજપ હવે વધુ 6 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલશે તેવી શક્યતા છે તેમજ કેબિનેટમાં પણ મોટા ફેરફારની સંભાવના સેવાઈ રહી છે.
આ રાજ્યોના પ્રમુખો બદલાઈ શકે
ભાજપ પાર્ટી હાઈ કમાન્ડ આગામી એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. ભાજપ જે રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલવી શકે છે તેમા મધ્યપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પદ છોડી ચૂકેલા અનેક પ્રમુખોને સરકારમાં એન્ટ્રી મળી શકે છે. મધ્યપ્રદેશના અધ્યક્ષ વીડી શર્માને કેન્દ્રીય મંત્રી બનાવી શકે છે. તેઓ રાજ્યની ખજુરાહો લોકસભા બેઠક પરથી સંસદસભ્ય છે. વીડી શર્માને મધ્યપ્રદેશથી દિલ્હી લાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે પરંતુ ઉત્તરાધિકારી અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આથી પ્રદેશ પ્રમુખ બદલવાની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. વીડી શર્માની જગ્યાએ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને સાંસદ સુમેરસિંહ સોલંકીના નામની ચર્ચા થઈ રહી છે.
કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી
સંગઠનમાં ફેરબદલની સાથે સાથે કેબિનેટમાં ફેરફારની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ભાજપ જી. કિશન રેડ્ડી કે જેઓ અત્યાર સુધી પર્યટન મંત્રી હતા તેમને તેલંગાણાના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે હવે તેની જગ્યાએ ચોક્કસપણે કોઈ અન્ય નેતા કેન્દ્રીય મંત્રી તરીકે આવશે. આ સિવાય કેટલાક વધુ નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓ સંગઠનમાં પરત આવી શકે છે.