હમાસ અને ઈઝરાયલ વચ્ચે લગભગ 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે, હવે આ યુદ્ધનો અંત આવે તેવા સંકેત નજર આવી રહ્યા છે. હમાસના એક વરિષ્ઠ સૂત્રનો હવાલો આપતા એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, હમાસ ગાઝામાં 9 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી કરવામાં આવેલા કરારને અમલમાં લાવવા માટે તૈયાર થઈ ગયુ છે. પ્રથમ તબક્કાના 16 દિવસ બાદ ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે શરૂ કરવા માટેના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે.
પેલેસ્ટિનિયન સંગઠને માગ કરી છે કે, કરાર પર હસ્તાક્ષર કરવા પહેલા ઈઝરાયલે પહેલા એક સ્થાયી યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ હોવું જોઈએ. 6 અઠવાડિયાના પ્રથમ તબક્કા દરમિયાન તેને અંજામ સુધી પહોંચાડવામાં આવશે.
મધ્યસ્થતાના માધ્યમથી કરવામાં આવેલા યુદ્ધવિરામના પ્રયાસોમાં સામેલ એક પેલેસ્ટિનિયન અધિકારીએ જણાવ્યું હતું કે જો ઇઝરાયલ સંમત થાય તો આ પ્રસ્તાવ કરારમાં પરિણમી શકે છે. આ સાથે જ ગત વર્ષે 7 ઓક્ટોબરે શરૂ થયેલ ગાઝા યુદ્ધનો અંત આવશે.
યુદ્ધમાં ગાઝામાં 38000થી વધુ લોકો માર્યા
તમને જણાવી દઈએ કે, આ યુદ્ધમાં ગાઝામાં 38000થી વધુ લોકો માર્યા ગયા છે. હમાસના આતંકવાદીઓ દ્વારા હવાઈ, ભૂમિ, અને સમુદ્રના રસ્તે દક્ષિણ ઈઝરાયલના શહેરો પર હુમલો કર્યો બાદ આ યુદ્ધ શરૂ થયુ હતું. તેમણે લગભગ 250 લોકોને બંધક બનાવી લીધા હતા જ્યારે હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા.
હમાસના સૂત્રએ જણાવ્યું હતું કે અમેરિકી પ્રસ્તાવથી એ સુનિશ્ચિત થાય છે કે મધ્યસ્થીઓ અસ્થાયી યુદ્ધવિરામ, માનવતાવાદી સહાયનો પુરવઠો અને ઇઝરાયલી સૈનિકોની વાપસીની ગેરેંટી આપશે. કરારના બીજા તબક્કાના અમલ માટે અપ્રત્યક્ષ વાતચીત ચાલુ રહેશે.