આભાસી દુનિયા આજના સમયની આવશ્યકતા બનતી જાય છે. લોકો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા લાગ્યા છે. બધાને સોશિયલ મીડિયાના સહારે પોપ્યુલર થઇ જવું છે. સેલિબ્રિટી બનવાના મોહમાં લોકો કોઇ પણ ગતકડાં કાઢવા તૈયાર થઇ જાય છે. રૂપિયા ભલે ખર્ચવા પડે પણ ફોલોઅર્સ વધવા જોઇએ. લાઇક્સમાં સતત વધારો થવો જોઇએ. કમેન્ટ્સ ભલે નેગેટિવ હોય કે પોઝિટિવ પણ ચર્ચા થવી જોઇએ. ટ્રોલ થઇએ તો પણ વાંધો નથી. એ બહાને લાઇમલાઇટમાં તો રહીએ છીએ. ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઇ જવામાં લિજ્જત છે એવું અમૃત ઘાયલ કહી ગયા છે. બધાને બસ કોઇને કોઇ રીતે ચર્ચાઇ જવું છે.
અલબત્ત, ધીમે ધીમે સોશિયલ મીડિયા સામે સવાલો ઉઠતા જાય છે. લોકોને તેના પરનો ભરોસો પણ ઉઠતો જાય છે. લોકોની લાગણીઓને મેન્યુપલેટ કરવામાં આવી રહી છે. અગાઉ જે મફત હતું એ બધું જ હવે પેઇડ થતું જાય છે. તમારે ફોલોઅર્સ વધારવા છે? વધુ લાઇક્સ મેળવવી છે? પેમેન્ટ કરો અને તમારી પોસ્ટને પ્રમોટ કરો. નો લંચ ઇઝ ફ્રી. સોશિયલ મીડિયા ચલાવતી કંપનીઓ કંઇ તમારી સેવા કરવા નથી બેઠી. એને પણ કમાણી કરવી છે. સોશિયલ મીડિયા વિશે લોકોના ભ્રમો પણ ધીમે ધીમે ભાંગી રહ્યા છે. બધાને હવે એટલી સમજ પડવા લાગી છે કે, સોશિયલ મીડિયાથી મગજ અને સમય બગડે છે. એ વાત જુદી છે કે, બધી ખબર હોવા છતાં પણ સોશિયલ મીડિયાની લત છૂટતી નથી. સોશિયલ મીડિયા સતત કંઇકને કંઇક નવું આપતું રહે છે અને લોકો તેમાં રચ્યા પચ્યા રહે છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેના કબજામાં છે એ મેટા ગ્રૂપના સર્વેસર્વા માર્ક ઝકરબર્ગ હવે એક નવું માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ થ્રેડસ લઇને આવ્યા છે. થ્રેડ્સ વિશે પહેલેથી એવી વાતો થતી આવી છે કે, તેને ટ્વીટરની સામે મૂકવામાં આવ્યું છે. એલન મસ્કે જ્યારથી ટ્વીટર પર આધિપત્ય મેળવ્યું છે ત્યારથી એલન મસ્ક અને ટ્વીટર બંને કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહ્યા છે. બ્લૂ ટિક સહિતની સુવિધાઓ માટે એલન મસ્કે રીતસરનું પ્રાઇઝ લિસ્ટ તૈયાર કર્યું છે. દર થોડા દિવસે એ નવાં નવાં ગતકડાંઓ રજૂ કરતા રહે છે. તેણે તો લોકો કેટલી ટ્વીટ જોઇ શકશે તેનું પણ રેશનિંગ કર્યું છે! બ્લૂ ટિક વાળા યુઝર્સ છ હજાર ટ્વીટ જોઇ શકશે.
સામાન્ય યુઝર માત્ર 600 ટ્વીટ જ જોઇ શકશે. ટ્વીટરમાં જે થઇ રહ્યું છે એની સામે લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોએ ટ્વીટર છોડ્યું પણ છે. સમગ્ર વિશ્વમાં ટ્વીટરના 400 મિલિયન યુઝર્સ છે. ટ્વીટરના ભૂતપૂર્વ સીઇઓ જેક ડોર્સીએ તારીખ 21મી માર્ચ, 2006ના રોજ પહેલી ટ્વીટ કરી હતી. એ ટ્વીટ એવી હતી કે, જસ્ટ સેટિંગ માય ટ્વીટર. એ સમયે કોઇને કલ્પના ન હતી કે, મર્યાદિત શબ્દોમાં પોતાની વાત કહેવાની છૂટ આપતું આ પ્લેટફોર્મ આટલું બધું ફેમસ થઇ જશે. ટ્વીટર ઘણા વિવાદોમાં પણ ફસાયું છે. હવે ટ્વીટરની સામે થ્રેડસ માર્કેટમાં આવ્યું છે.
થ્રેડ્સને લોકો ટ્વીટર કિલર તરીકે ઓળખાવી રહ્યા છે. માર્ક ઝકરબર્ગે બુધવારે રાતે સાડા અગિયાર વાગે થ્રેડસને લોન્ચ કર્યું. થ્રેડ્સ હજુ દુનિયાના 100 દેશોમાં જ રજૂ કરાયું છે. યુરોપિયન યુનિયનના દેશોમાં કેટલાંક નિયમો અને મર્યાદાઓ આડી આવતી હોવાથી હજુ યુરોપના દેશોમાં થ્રેડ્સ લોન્ચ થયું નથી. થ્રેડ્સ લોન્ચ થયું એના બે કલાકમાં જ 20 લાખ લોકો તેની સાથે જોડાઇ ગયા હતા. ચાર કલાકમાં તેની સંખ્યા પચાસ લાખને વટાવી ગઇ હતી. જે સ્પીડે લોકો થ્રેડ્સ સાથે જોડાઇ રહ્યા છે એ જોઇને એવું લાગે છે કે, તે આખી દુનિયામાં લોકપ્રિય થવાનું છે. થ્રેડ્સ પર પણ મર્યાદિત અક્ષરોમાં પોસ્ટ લખવી પડે છે. 500 અક્ષરોની લિમિટ છે. લિંક, ફોટો અને વીડિયો પણ અપલોડ કરી શકાય છે. થ્રેડ્સ વિશે સૌથી વધુ વાતો ટ્વીટર પર જ થઇ છે. ટ્વીટરને ખતમ કરવા માટે હવે થ્રેડ્સ આવી રહ્યું છે એવું ટ્વીટર પર ચાલ્યું એ પછી તો એલન મસ્કે માર્ક ઝકરબર્ગને કેજ ફાઇટની ચેલેન્જ પણ આપી દીધી હતી. મસ્કની આ ચેલેન્જ ઝકરબર્ગ સ્વીકારી પણ લીધી છે.
કેજ ફાઇટ માટે બંને પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તૈયાર કરેલા ફોટા અને વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે. બાકીનું બધું તો થાય ત્યારે પણ અત્યારે તો થ્રેડ્સ અને ટ્વીટર વચ્ચે બરાબરની ફાઇટ જામી છે. ઝકરબર્ગને એવું પૂછવામાં આવ્યું હતું કે, શું થ્રેડ્સ ટ્વીટર કરતા આગળ નીકળી શકશે? ઝકરબર્ગે કહ્યું કે, થોડોક સમય લાગશે. માર્ક ઝકરબર્ગે પોતે 2009માં ટ્વીટર જોઇન કર્યું હતું. જો કે, તેઓ ટ્વીટર પર એક્ટિવ નહોતા. છેલ્લે તેમણે તારીખ 18 જાન્યુઆરી, 2012ના રોજ ટ્વીટ કરી હતી. 11 વર્ષ પછી તારીખ 6 જુલાઇએ માર્ક ઝકરબર્ગે એક ફોટો ટ્વીટ કર્યો છે. આ તસવીરમાં બે સ્પાઇડરમેન એક બીજા સામે આંગળી ચિંધતા હોય એવું દેખાડવામાં આવ્યું છે. મતલબ સ્પષ્ટ છે. બંને હવે સામસામે છે. થ્રેડ્સનો પડકાર એલન મસ્ક પણ સારી રીતે જાણે છે એટલે હવે તેઓ પણ ટ્વીટર માટે થોડાક ઇઝી થઇ રહ્યા છે.
ટેક્નો વર્લ્ડમાં અત્યારે સૌથી વધુ ચર્ચા થ્રેડ્સની છે. ચેટજીપીટી પછી સૌથી વધુ વાતો થ્રેડ્સની થઇ રહી છે. ટેક્નો એક્સપર્ટ્સ એવું કહે છે કે, અગાઉ કંઇ શરૂ થતું તો બધાને ખબર પડતા ઘણી વાર લાગતી હતી. હવે તો કંઇ નવું આવે કે તરત જ બધાની ખબર પડી જાય છે. જોઇએ તો ખરા કે આ શું છે એવું વિચારીને પણ લોકો જોડાય છે. થ્રેડ્સને ફાયદો એ છે કે એના બકેટમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ છે. થ્રેડ્સ ટ્વીટરને ઘણું મળતું આવે છે એ વાતથી ઇનકાર થઇ શકે એમ નથી, સાથોસાથ તેને ઇન્સ્ટાગ્રામનું એક્સટેન્ડેડ વર્ઝન પણ કહેવામાં આવી રહ્યું છે. જે રીતે લોકો થ્રેડ્સને અપનાવી રહ્યા છે એ જોઇને કોને કેટલા યુઝર્સ મળવામાં કેટલી વાર લાગી હતી એની પણ ચર્ચા થઇ રહી છે. ફેસબુકને એક મિલિયન યુઝર્સ મેળવતા 10 મહિના થયા હતા, ઇન્સ્ટાગ્રામને અઢી મહિના, ચેટજીપીટીને પાંચ દિવસ થયા હતા. થ્રેડ્સને આટલા યુઝર્સ મેળવવામાં માત્ર બે કલાક જ થયા છે! ટ્વીટરને બે વર્ષ થયા હતા. વેલ, લોકો માટે હવે એક પ્લેટફોર્મ વધ્યું છે.
ઘણા લોકો હળવાશમાં એમ પણ કહે છે કે, આટલા ઓછા હતા તે એમાં એકનો વધારો થયો! દરેક એક વાત સમજવા જેવી છે કે, હવે તો રોજે રોજ કંઇકને કંઇ નવું આવતું જ રહેવાનું છે. સોશિયલ મીડિયામાં પ્રમાણભાન જાળવવા માટે હવે વધુ ધ્યાન રાખવું પડશે!