શું લોકસભા ચૂંટણીના પરિણામો માટે EVM સાથે તમામ VVPAT સ્લિપની પણ ગણતરી કરવામાં આવશે? આ માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાલમાં VVPAT સ્લિપ દ્વારા રેન્ડમલી પસંદ કરાયેલ માત્ર 5 EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના વેરિફિકેશનનો નિયમ છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદિપ મહેતાની ખંડપીઠે ચૂંટણીમાં તમામ VVPAT સ્લિપની ગણતરીની માગ કરનાર સામાજિક કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલના વકીલોની દલીલોને ધ્યાનમાં લીધી હતી. ખંડપીઠે અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 17 મે ના રોજ થઈ શકે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે લગભગ 24 લાખ VVPAT ની ખરીદી પર લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ હાલમાં માત્ર 20,000 VVPAT સ્લિપની જ ચકાસણી થઈ છે.
બીજી તરફ કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચ અને કેન્દ્રને આપેલી નોટિસને ‘પ્રથમ મહત્વપૂર્ણ પગલું’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે લોકસભા માટે મતદાન શરૂ થાય તે પહેલા આ મુદ્દે નિર્ણય થઈ જવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે VVPAT મુદ્દે આજે ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. એવું વારંવાર જણાવવામાં આવી રહ્યું છે કે, પંચે ‘I.N.D.I.A.’ ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓના પ્રતિનિધિમંડળને મળવાનો ઈનકાર કરી દીધો છે જે EVMમાં જનતાનો વિશ્વાસ વધારવા અને ચૂંટણી પ્રક્રિયાની સત્યનિષ્ઠા સુનિશ્ચિત કરવા માટે 100% VVPATની માગ કરી રહ્યા છે.
‘વોટર વેરિફાઈએબલ પેપર ઓડિટ ટ્રેલ’ (VVPAT) એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારોને એ જોવાની મંજૂરી આપે છે કે તેમનો વોટ એ જ ઉમેદવારને ગયો છે કે નહીં જેને તેમણે વોટ આપ્યો છે. VVPAT દ્વારા મશીનમાંથી કાગળની સ્લિપ બહાર આવે છે જેને મતદાર જોઈ શકે છે અને આ સ્લિપને સીલબંધ બોક્સમાં રાખવામાં આવે છે અને વિવાદની સ્થિતિમાં તેને ખોલી શકાય છે.