મળેલા અહેવાલો અનુસાર T20 વર્લ્ડ કપ 4 જૂનથી શરૂ થશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 30 જૂને રમાશે. ICC પ્રતિનિધિમંડળે આ અઠવાડિયે USAમાં પાંચ પસંદગીના સ્થળોની મુલાકાત લીધી હતી. તેમાં ટુર્નામેન્ટ મેચો અને વોર્મ-અપ્સ માટે મોરિસવિલે, ડલાસ અને ન્યૂયોર્ક તેમજ ફ્લોરિડામાં લોડરહિલનો સમાવેશ થાય છે.
ICC આવતા મહિને લેશે અંતિમ નિર્ણય
મોરિસવિલે અને ડલાસમાં મેજર લીગ ક્રિકેટની પ્રથમ આવૃત્તિ રમાઈ રહી છે. જો કે આ મેદાનોને હજુ આંતરરાષ્ટ્રીય સ્થળનો દરજ્જો મળ્યો નથી, જે ICCના નિયમો મુજબ ફરજિયાત છે. આગામી મહિનાઓમાં ICC, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ ક્રિકેટ સાથે મળીને સ્થળો અંગે અંતિમ નિર્ણય લેશે.
15 ટીમોની જગ્યાઓ કન્ફર્મ
અત્યાર સુધીમાં 15 ટીમોની જગ્યાઓ કન્ફર્મ થઈ ગઈ છે. પાંચ જગ્યાઓ ખાલી છે. આ ટુર્નામેન્ટ ભારતમાં IPL બાદ જૂનમાં યોજાશે. T20 વર્લ્ડ કપ 2022ની આઠ ટીમોને આવતા વર્ષના વર્લ્ડ કપ માટે સીધી એન્ટ્રી મળી છે. આ ઉપરાંત ICC રેન્કિંગમાં ટોપ-10ની બાકી રહેલી બે ટીમોને પણ સ્થાન મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને યજમાન તરીકે રમવાની તક મળી. આ રીતે 12 ટીમો પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી. હવે ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી આઠ ટીમોની પસંદગી કરવામાં આવી રહી છે.
આ ટીમો થઈ ગઈ છે ક્વોલિફાય
અત્યાર સુધી યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ સિવાય ભારત, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યુ ગીનીએ T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે.