ભારતીય કોસ્ટ ગાર્ડમાં મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવાની માગને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ફરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું હતું કે જો તમે કાયમી કમીશન આપી શકો તેમ ના હોય તો અમે આદેશ જારી કરી દઇશું.
એક મહિલા કોસ્ટ ગાર્ડ અધિકારીની અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપો અન્યથા અમે આદેશ આપી દઇશું. હવે આ મામલે ૧ માર્ચના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ઇન્ડિય કોસ્ટ ગાર્ડના એક મહિલા અધિકારીએ કરેલી અરજીની સુનાવણી કરી હતી. જેમાં આઇસીજી માટે યોગ્ય મહિલા શોર્ટ સર્વિસ કમીશન અધિકારીઓને કાયમી કમીશન આપવાની માગણી કરવામાં આવી છે.
એટર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું હતું કે કોસ્ટ ગાર્ડ નેવી અને આર્મીથી તદ્દન અલગ છે. આ મામલે એક બોર્ડનું ગઠન કરવામાં આવી ચુક્યું છે. સાથે જ સ્ટ્રક્ચરલ ફેરફારોની પણ જરૂર છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે તમે જે દલિલો કરી રહ્યા છો તેમાં કોઇ જ દમ નથી, મહિલાઓને પાછળ ના છોડી શકાય, જો તમે કાયમી કમીશન નહીં આપો તો અમે આદેશ આપી દઇશું. આ મામલે હવે ૧ માર્ચના રોજ સુનાવણી કરવામાં આવશે.