ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં હાલ અમૃતકાળ ચાલી રહ્યો છે અને ૨૦૪૭માં ભારતની સ્વતંત્રતાના શતાબ્દી પૂરી થશે ત્યાં સુધીમાં દેશ વિકસિત રાષ્ટ્ર બની ગયો હશે. આ વિકસિત રાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિક્તાનું આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. દેશમાં જી-૨૦ની શિખર મંત્રણાની તૈયારીઓ પૂરી થવાના આરે છે ત્યારે આ બેઠક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીટીઆઈને મુલાકાત આપી ભારતની સિદ્ધિઓ અને વૈશ્વિક પડકારો સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત હાલ અમૃતકાળની ઊજવણી કરી રહ્યું છે. આ અમૃતકાળ વર્ષ ૨૦૪૭ સુધી ચાલશે જ્યારે ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થઈ જશે. આ સમય સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે. આ સમયમાં માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે પણ અનેક પરિવર્તન આવ્યા છે. આજના સમયમાં દુનિયાનો જીડીપી કેન્દ્રિત દૃષ્ટિકોણ બદલાયો છે અને હવે તે માનવકેન્દ્રિત થયો છે. ભારત તેમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ વિશ્વ કલ્યાણ માટે પણ એક માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે.
ભારતે આર્થિક વિકાસમાં એક દાયકાથી ઓછા સમયમાં પાંચ ક્રમની છલાંગ લગાવી છે. આ સિદ્ધિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં જ ભારત દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થઈ જશે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો મૂકવાની મોટી તક છે, જેને આગામી ૧,૦૦૦ વર્ષ સુધી યાદ કરાશે. ભારતને લાંબા સમય સુધી એક અબજ ભૂખ્યા લોકોના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ આજે તે ૧૦૦ કરોડ મહત્વાકાંક્ષી મગજ અને ૨૦૦ કરોડ કુશળ હાથોવાળા દેશ તરીકે ઓળખાય છે.
વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં જી-૨૦ બેઠકોના આયોજન સામે પાકિસ્તાન અને ચીનના વાંધાઓને નકારી કાઢતા કહ્યું કે, ભારતના દરેક ભાગમાં બેઠક યોજાય તે સ્વાભાવિક છે. કાશ્મીર-અરૂણાચલ પ્રદેશ ભારતના જ અભિન્ન અંગ છે. તેથી ભારત નિશ્ચિતરૂપે ત્યાં જી-૨૦ બેઠકનું આયોજન કરી શકે છે. જી-૨૦માં અમારા શબ્દો અને દૃષ્ટિકોણને દુનિયાએ માત્ર વિચારોનારૂપમાં જ નહીં, પરંતુ ભવિષ્યની રૂપરેખા તરીકે પણ જોયા છે.
આધુનિક દુનિયામાં વધતા સાઈબર ગુનાઓનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાયબર ગૂનાઓ સામે લડવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય પણ છે. વિશ્વ બેન્કના અંદાજ મુજબ વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ દરમિયાન સાયબર હુમલાઓના કારણે દુનિયાને ૫.૩ લાખ કરોડ યુએસ ડોલરનું નુકસાન થયું છે. સાયબર ક્ષેત્રએ ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક નવું પાસું રજૂ કર્યું છે.
સાઈબર જોખમોને બહુ ગંભીરતાથી લેવા જોઈએ. સાઈબર આતંકવાદ, ઓનલાઈન કટ્ટરપંથ, નાણાકીય છેતરપિંડીના આ જોખમો તેની ઝાંખી માત્ર છે. આતંકીઓ તેમના કૃત્યો માટે ‘ડાર્કનેટ’, મેટાવર્સ અને ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે, જેની રાષ્ટ્રોના સામાજિક તાણા-વાણા પર અસર પડી શકે છે.
ગૂનાઈત ઉદ્દેશ્યો માટે આઈસીટીના ઉપયોગનો સામનો કરવા માટે એક સમગ્ર આંતરરાષ્ટ્રીય સંધી કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, ખોટા સમાચારો અરાજક્તનું કારણ બની શકે છે અને તેનાથી સમાચાર માધ્યમોની વિશ્વસનીયતાને નુકસાન પહોંચી શકે છે. તેનો ઉપયોગ સમાજમાં અશાંતિ લાવી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક ફુગાવા સામે લડવા માટે નીતિગત વલણનું સમય પર અને સ્પષ્ટ સંચાર મહત્વપૂર્ણ છે. આજના સમયમાં ફુગાવો એટલે કે મોંઘવારી દુનિયા સામે સૌથી મોટો મુદ્દો છે. જી-૨૦ના અધ્યક્ષપદે અમારી એવી નીતિઓને માન્યતા અપાઈ છે, જેમાં એક દેશનો ફુગાવો બીજા દેશ પર અસર નથી કરતો. ભારતના જી-૨૦ અધ્યક્ષપદે કથિત રીતે ત્રીજી દુનિયાના દેશોમાં પણ વિશ્વાસના બીજ રોપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મુલાકાતમાં તેમના શાસનમાં દેશે કરેલી પ્રગતિ અને સિદ્ધિઓ અંગે વાત કરી હતી. આવા સમયે કોંગ્રેસ સહિત વિપક્ષના ગઠબંધન ‘ઈન્ડિયા’એ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી પર સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ સાંસદ રંજિત રંજને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, આગામી જી-૨૦ શિખર સંમેલનને ધ્યાનમાં રાખતા રસ્તાનું સૌંદર્યીકરણ કરાઈ રહ્યું છે, પરંતુ ભારતના યુવાનો રોજગારી અંગે સવાલ કરી રહ્યા છે. લોકો કૌભાંડો અને મોંઘવારી પર જવાબ ઈચ્છે છે. કોંગ્રેસના શોભા ઓઝાએ આક્ષેપ કર્યો કે વર્તમાન શાસનમાં મહિલાઓ, દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.
આપના સાંસદ સંજય સિંહે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીના શાસનમાં બેરોજગારીનો દર ૪૨ વર્ષની ટોચે પહોંચ્યો છે અને ઈંધણ તથા દવાની કિંમતોમાં તિવ્ર વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે ભાજપે યુવાનોને છેતર્યા છે. મોદી શાસનમાં અગ્નિવીર યોજના શરૂ કરાઈ, જે યુવાનો સાથે છેતરપિંડી સમાન છે. ખેડૂતોને પાકના ભાવ બમણા થવાનું વચન અપાયું હતું. દેશમાં કાળુ નાંણું પાછું લાવવા અને ખાતામાં રૂ. ૧૫ લાખ આપવાનું વચન અપાયું હતું. તે પણ પૂરાં થયા નથી. એમ પણ કહેવાયું હતું કે ઑગસ્ટ ૨૦૨૨ સુધીમાં બધાને પાક્કા મકાન આપી દેવાશે.