દર વર્ષે 13 માર્ચે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઊંઘના મહત્વ અને ઊંઘ સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આજકાલની ભાગદોડભરી જીવનશૈલી અને વધતા તણાવને કારણે ઊંઘની સમસ્યાઓ સામાન્ય બની રહી છે.
તબીબોનું કહેવું છે કે રાત્રે નસકોરાં બોલાવવું અને ઊંઘ દરમિયાન શ્વાસ રૂંધાવું માત્ર થાકનું લક્ષણ નથી, પરંતુ તે ‘સ્લીપ એપ્નિયા’ નામની ગંભીર બીમારીનું સંકેત હોઈ શકે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો હૃદયરોગ, બ્લડ પ્રેશર અને અન્ય જીવલેણ સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
સ્લીપ એપ્નિયા શું છે?
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ENT વિભાગના વડા ડૉ. નીનાબહેન ભાલોડિયાના જણાવ્યા મુજબ, સ્લીપ એપ્નિયા એક ગંભીર ઊંઘ સંબંધિત બીમારી છે.
આ બીમારીમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવાની પ્રક્રિયા વારંવાર અટકી જાય છે અને ફરી શરૂ થાય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો શરીર પર ગંભીર અસર પડી શકે છે.
સ્લીપ એપ્નિયાના સામાન્ય લક્ષણો
તબીબો મુજબ સ્લીપ એપ્નિયાના કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે:
-
રાત્રે જોરથી નસકોરાં બોલાવવું
-
દિવસ દરમિયાન વધારે ઊંઘ આવવી
-
ચીડિયાપણું અને થાક અનુભવવો
-
માથાનો દુખાવો
-
બ્લડ પ્રેશર વધવું
-
હૃદય રોગનું જોખમ વધવું
આ બીમારી બાળકો અને વયસ્ક બંનેમાં જોવા મળે છે, જોકે બંનેમાં તેના લક્ષણો અલગ હોઈ શકે છે.
બાળકોમાં બીમારીના કારણો
3 થી 12 વર્ષના બાળકોમાં સ્લીપ એપ્નિયા થવાનું મુખ્ય કારણ મોઢાના કાકડા અથવા નાક પાછળના કાકડાનું કદ વધારે હોવું હોઈ શકે છે.
આ કારણે શ્વાસ માર્ગમાં અવરોધ સર્જાય છે અને વારંવાર ચેપ થવાની શક્યતા પણ રહે છે.
વયસ્કોમાં વધતું જોખમ
વયસ્કોમાં આ સમસ્યાના લક્ષણોમાં સામાન્ય રીતે:
-
નસકોરાં બોલાવવું
-
દિવસ દરમિયાન ઊંઘ આવવી
-
માથાનો દુખાવો
-
થાક અને ધ્યાનમાં ઘટાડો
તબીબોનું કહેવું છે કે ઊંઘ પર યોગ્ય નિયંત્રણ ન હોવાના કારણે વાહન ચલાવતી વખતે અકસ્માત થવાની શક્યતા પણ વધી શકે છે.
જીવનશૈલી પણ બની શકે કારણ
સ્લીપ એપ્નિયાના વધતા કેસ પાછળ અનિયમિત જીવનશૈલી અને ખોટી આદતો પણ જવાબદાર માનવામાં આવે છે. તેમાં મુખ્યત્વે:
-
ખાણીપીણીની ખોટી ટેવો
-
મોબાઇલ ફોન અથવા સ્ક્રીન પર વધારે સમય પસાર કરવો
-
વધતું વજન અને બેઠાડું જીવનશૈલી
આ બધા કારણો ઊંઘની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે.
અલગ અલગ ઉંમરે કેટલી ઊંઘ જરૂરી?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સ્વસ્થ જીવન માટે પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે:
-
6 થી 12 વર્ષ: 9 થી 12 કલાક
-
13 થી 18 વર્ષ: 8 થી 10 કલાક
-
18 થી 69 વર્ષ: ઓછામાં ઓછા 7 કલાક
-
60 વર્ષથી વધુ: 7 થી 8 કલાક
પૂરી ઊંઘ ન મળવાથી શરીર અને મન બંને પર અસર પડી શકે છે.
સ્લીપ એપ્નિયાથી બચવા શું કરવું?
તબીબો અનુસાર આ સમસ્યાથી બચવા માટે કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:
-
વજન ઘટાડવું અને સક્રિય જીવનશૈલી અપનાવવી
-
શ્વાસ લેવામાં તકલીફ હોય તો સમયસર સારવાર લેવી
-
નાક અથવા ગળામાં અવરોધ હોય તો ENT તબીબની સલાહ લેવી
-
સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવો
નિષ્ણાતો કહે છે કે ઊંઘ સંબંધિત સમસ્યાને હળવાશથી લેવી નહીં. પરિવારના કોઈ સભ્યમાં આવા લક્ષણો જોવા મળે તો તુરંત તબીબી તપાસ કરાવવી જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel