ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને તેમના પરિવારજનોને ઘરઆંગણે પ્રાથમિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો છે.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા આ આરોગ્ય રથોમાં સ્થળ પર જ તપાસ, નિદાન અને દવાઓની મફત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ITI તાલીમાર્થીઓને મળશે ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજીની તાલીમ
કાર્યક્રમ દરમિયાન રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માટે 40 ઇલેક્ટ્રિક કારનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ કારો મોટર મિકેનિક ટ્રેડના 8,000થી વધુ યુવા તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાશે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વધતા ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને ITI સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે.
આજે ગાંધીનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ને 40 ઇલેક્ટ્રિક કાર અર્પણ કરી અને શ્રમયોગીઓ માટે ધન્વંતરિ આરોગ્ય રથ અને મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યું.
ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓ અને તેમના પરિવારોને સ્થળ પર જ તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો જેવા સામાન્ય રોગોની… pic.twitter.com/DrlyzOP477
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 12, 2026
ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં રોજગારીની તકો
ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક વાહન સેક્ટરમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે બેટરી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક પાવરટ્રેન અને એમ્બેડેડ સોફ્ટવેર ક્ષેત્રમાં નિષ્ણાતોની માંગ પણ વધી રહી છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ITIમાં સિલેબસ આધારિત તાલીમ સાથે 40 ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ કરાવી છે, જેથી તાલીમાર્થીઓને નવીનતમ ટેકનોલોજી પર આધારિત પ્રાયોગિક તાલીમ મળી શકે અને તેઓ આત્મનિર્ભર બની રોજગારીના નવા અવસરો મેળવી શકે.
આરોગ્ય રથ દ્વારા સ્થળ પર સારવાર
ધનવંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકો અને તેમના પરિવારજનોને સ્થળ પર જ પ્રાથમિક તબીબી સારવાર અને વિવિધ પરીક્ષણોની સુવિધા આપવામાં આવે છે.
આ આરોગ્ય રથોમાં તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગો તેમજ સામાન્ય ઈજાઓની સારવાર ઉપરાંત પેશાબ, લોહી, બ્લડ સુગર અને મેલેરિયા જેવી લેબોરેટરી તપાસ પણ કરવામાં આવે છે.
તે સિવાય બાળકો અને સગર્ભા મહિલાઓ માટે જરૂરી આરોગ્ય તપાસ અને પ્રાથમિક સારવાર પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, અને જરૂરી દવાઓ મફતમાં આપવામાં આવે છે.
રાજ્યભરમાં વધશે આરોગ્ય સેવાઓ
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં 154 ધનવંતરી આરોગ્ય રથ અને 25 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત છે.
હવે નવા ઉમેરાયેલા 54 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાન સાથે રાજ્યના 34 જિલ્લાઓમાં કુલ 206 ધનવંતરી આરોગ્ય રથ અને 31 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત રહેશે, જે શ્રમિકોના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, લેબર કમિશનર લાખાણી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારનો હેતુ શ્રમિકોના આરોગ્ય અને યુવાનોના કૌશલ્ય વિકાસ બંને ક્ષેત્રમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રાજ્યના સર્વાંગી વિકાસને આગળ વધારવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel