છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને સમર્થન આપવા હવે યોગ ગુરુ રામદેવે પણ મેદાને ઉતર્યા છે. તેમણે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહને જેલમાં પૂરવા જ જોઈએ. રામદેવે રેસલિંગ ફેડરેશન ચીફ પર લાગેલા યૌન શોષણના આરોપોને શરમજનક ગણાવ્યા છે. યોગ ગુરુએ કહ્યું કે “બ્રિજ ભૂષણ સિંહ દરરોજ બહેનો અને દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે. આ અત્યંત નિંદનીય છે, તે પાપ છે. આવા લોકોને તાત્કાલિક જેલમાં મોકલવા જોઈએ.
યોગ ગુરુ રામદેવના સમર્થનથી પ્રશાસન પર બ્રિજ ભૂષણ સિંહની ધરપકડનુ વધુ દબાણ રહેશે. તેમણે કહ્યું કે રેસલિંગ ફેડરેશનના ચીફ પર યૌન શોષણ જેવા આરોપ શરમજનક છે. બ્રિજભૂષણ શરણ સિંહ પહેલા જ કહી ચૂક્યા છે કે જો પીએમ મોદી, અમિત શાહ કે જેપી નડ્ડા તેમને રાજીનામું આપવા કહેશે તો તેઓ તરત જ રાજીનામું આપી દેશે.
બ્રિજ ભૂષણે એમ પણ વ્યક્ત કર્યું છે કે તેઓ 6 વખત સાંસદ છે, તેમની પત્ની સાંસદ રહી છે, તેમનો પુત્ર પણ ધારાસભ્ય છે… જો PM મોદી કહેશે તો તેઓ લોકસભામાંથી રાજીનામું આપી દેશે. આ દરમિયાન, કુસ્તીબાજોએ તેમની ધરપકડ માટે 21 મેની સમયમર્યાદા આપી હતી. આમ છતાં તેમની ધરપકડ કરવામાં આવી ન હતી.
મહિનાઓથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં વિરોધ પક્ષોના લગભગ નેતાઓ જંતર-મંતર પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, ખેડૂત જૂથોમાંથી રાકેશ ટિકૈત પોતે જંતર-મંતર પહોંચ્યા. બધાએ એક અવાજે બ્રિજભૂષણ સિંહની ધરપકડની અપીલ કરી. હવે યોગ ગુરુ રામદેવનું નિવેદન પણ તેમની ધરપકડને લઈને દબાણ વધારી શકે છે. તેમણે કહ્યું કે ‘આવા લોકોની (બ્રિજ ભૂષણની જેમ) તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવા જોઈએ.’
બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની માંગને લઈને લોકો જંતર-મંતર તરફ વળ્યા હતા. અઠવાડિયાના ધરણા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા દિલ્હી પોલીસે તેમની સામે કેસ નોંધ્યો હતો. બે અલગ-અલગ FIRમાં બ્રિજભૂષણ સિંહ પર પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યો હતો. ગુરુવારે તેમણે કહ્યું કે પોક્સો એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સંતોના નેતૃત્વમાં અમે સરકારને બદલવા માટે દબાણ કરીશું.