અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે વેપાર મોરચે એક મોટું અને ઐતિહાસિક પગલું જાહેર કર્યું છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2025થી અથવા તે પહેલાંથી ચીનમાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણયથી અમેરિકન બજારમાં ચીની પ્રોડક્ટ્સની કિંમતો બમણી થવાની શક્યતા છે, જે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને ફરીથી તણાવપૂર્ણ દિશામાં લઈ જઈ શકે છે.
ટ્રમ્પે આ નિર્ણયની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે ચીને વેપાર અંગે “અતિ આક્રમક” વલણ અપનાવ્યું છે અને વિશ્વને એક સત્તાવાર પત્ર મોકલ્યો છે, જેમાં તેણે 1 નવેમ્બર 2025થી લગભગ તમામ એવા ઉત્પાદનો પર નિકાસ નિયંત્રણ લાદવાની જાહેરાત કરી છે, જે ચીનમાં બનેલા નથી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ચીનનું આ પગલું વિશ્વના મોટા ભાગના દેશોને સીધી અસર કરશે અને વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં અસ્થિરતા લાવશે. તેમણે જણાવ્યું કે ચીન વર્ષોથી આ નીતિ અમલમાં મૂકવાનું આયોજન કરી રહ્યું હતું, પરંતુ હવે તે ખુલ્લેઆમ તેની જાહેરાત કરી રહ્યો છે — જે, તેમના મતે, આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક નૈતિક અપમાન સમાન છે.


ટ્રમ્પે જણાવ્યું કે અન્ય દેશો આ ધમકી વિરુદ્ધ બોલે કે ન બોલે, અમેરિકા પોતે નિર્ણાયક પગલાં લેશે. તેમણે કહ્યું કે ચીનની બધી જ વસ્તુઓ પર હાલના ટેરિફ સિવાય વધારાનો 100% ટેરિફ લાગુ કરવામાં આવશે. જો ચીને વધુ કોઈ આક્રમક પગલું લીધું તો આ ટેરિફ નિર્ધારિત સમય કરતાં પહેલાં પણ લાગુ થઈ શકે છે. સાથે જ ટ્રમ્પે ચેતવણી આપી કે અમેરિકા 1 નવેમ્બરથી તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર અને ટેકનોલોજી નિકાસ પર પણ કડક નિયંત્રણો લાદશે, જેથી ચીનને અમેરિકન ટેકનોલોજી અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો લાભ ન મળે.
ટ્રમ્પે અંતમાં લખ્યું કે તેમને વિશ્વાસ નહોતો કે ચીન આવું પગલું ખરેખર ભરી શકે છે, પરંતુ હવે ચીનના આ નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે તે વૈશ્વિક વેપારને રાજકીય હથિયાર તરીકે વાપરવા માગે છે. ટ્રમ્પનો આ નિર્ણય 2018ના તેમના પ્રમુખપદના સમયકાળ દરમિયાન શરૂ થયેલા અમેરિકા-ચીન ટ્રેડ વોરને ફરી ઉગ્ર સ્વરૂપ આપી શકે છે અને વૈશ્વિક અર્થતંત્ર માટે નવી અનિશ્ચિતતા સર્જી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel