કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે સરકારી પડતર જમીનમાં સામાજીક વનીકરણ વિભાગ, નડીયાદ અને સા.વ. રેંજ કપડવંજના સંયુક્ત ઉપક્રમે ૧૬૦૦૦ જેટલા ઇમારતી એવા નીલગીરીના વૃક્ષો વાવી આવકનો સ્ત્રોત ઉભો કરવાનું અભિયાન નરસિંહપુર ગ્રામપંચાયતના સહયોગથી કરવામાં આવ્યું છે.
સને ૨૦૨૧-૨૨ ના વર્ષમાં સામાજીક વનીકરણ વિભાગ નડીયાદ અને સામાજીક વનીકરણ રેંજ કપડવંજ દ્વારા કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે ગ્રામ પંચાયતના તથા ગ્રામજનોના સહયોગથી ઠરાવ મેળવી કૂલ ૧૦.૦૦ હેકટર વિસ્તારમાં વન વિભાગની કેમ્પા યોજના હેઠળ વનીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧ હેક્ટર દીઠ ૧૬૦૦ રોપા એમ કૂલ ૧૬૦૦૦ નીલગીરીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વાવેતર વિસ્તારની ફરતે રોપાઓના રક્ષણ માટે ૮૨૫ર મી. તારની વાડ કરી નાયબ વન સંરક્ષક નડીયાદના માર્ગદર્શન હેઠળ પરેક્ષેત્ર વન અધિકારી અને કપડવંજ રેંજના કર્મચારીઓ દ્વારા રોપાઓની જાળવણીની કામગીરી કરવામાં આવી હતી. જે થકી હાલ નીલગીરીઓ ખુબ જ સારા પ્રમાણમાં વિકાસ પામી છે અને ૧૦.૦૦ હેકટર જેટલો વિસ્તાર વૃક્ષાદિત કરવામાં આવેલ છે.
વૃક્ષોના વાવેતરથી વન વિસ્તારમાં વધારો થવાની સાથે ગ્રામજનો માટે આરોગ્યલક્ષી વાતાવરણ ઉભુ થયું છે. હજુ આગામી સમયમાં નરસિંહપુર ગ્રામ પંચાયતમાં આશરે ૭.૦૦ હેક્ટર જેટલા વિસ્તારમાં વન વિભાગ દ્વારા વનીકરણ કરી વર્ષોથી પડતર જમીન ઉપજાઉ બનાવવાની કામગીરી કરવાનું આયોજન પણ ગ્રામજનોના સહયોગથી કરવામાં આવશે.