5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી ની ધમધોકાટ તૈયારીઓ ચાલી રહી છે, તમામ પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, તો કેટલાક નેતાઓ ચૂંટણીસભાઓ ગર્જી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણી-2024 પહેલા યોજાનાર આ વિધાનસભા ચૂંટણી સેમિફાઈનલ હોવાનું કહેવાય છે. એક તરફ ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનના પક્ષો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તો બીજીતરફ તાજેતરમાં મેદાનમાં આવેલું ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance) પણ તનતોડ મહેનત કરી રહ્યું છે. જો કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો એક હોવા છતાં વિધાનસભા ચૂંટણીમાં સામ-સામે ઉમેદવારો ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. ઈન્ડિયા ગઠબંધનમાં જોડાયા બાદ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ હંમેશા સાથે જોવા મળે છે, જોકે ચૂંટણીમાં બંને પક્ષોના કંઈક જુદા જ રંગ જોવા મળી રહ્યા છે.
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે એક રાજ્ય એવું છે, ત્યાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને કોંગ્રેસ (Congress) ઉમેદવારો એકબીજા સાથે સંઘર્ષ જોવા કરતા મળશે. જે બેઠકો પર બંને પક્ષોએ સામ-સામે ઉમેદવારો ઉતાર્યા છે, તે મતવિસ્તારમાં દલિતો, લઘુમતીઓ અને યાદવોનું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં જ બંને પક્ષોએ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં અત્યાર સુધીમાં જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં બંને પક્ષોના 5-5 ઉમેદવારો એકબીજા વિરુદ્ધ સંઘર્ષ કરતા જોવા મળશે.
કોંગ્રેસ-સપાએ એક જ દિવસે ઉમેદવારોની યાદી જાહેર કરી
ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયા બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું હતું કે, તેઓ બેઠકોની વહેંચણી કરશે. તેમણે આ રણનીતિ હેઠળ મધ્યપ્રદેશમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. તો કોંગ્રેસે રવિવારે મધ્યપ્રદેશના 230 બેઠકોમાંથી 140 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ તે જ દિવસે સાંજે 9 ઉમેદવારોની જાહેરાત કરી, જેમાંથી પાંચ બેઠકો પર કોંગ્રેસ અને સપાના ઉમેદવારો સામ-સામે ઉતારવામાં આવ્યા છે.
કોંગ્રેસ સપાને બેઠકો આપવાના મૂડમાં નહીં !
મધ્યપ્રદેશ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ જે 9 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, તેમાંથી 5 ઉમેદવારો કોંગ્રેસની સામે ઉતાર્યા છે, જ્યારે તે 9 બેઠકોમાંથી 4 બેઠકો સામે હજુ સુધી કોંગ્રેસે કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ આ 4 બેઠકોમાંથી 2થી 3 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે. આગામી યાદીમાં આ બેઠકો પર પણ નામો જાહેર કરવામાં આવશે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન અંગે ભલે ચર્ચા ચાલી રહી હોય, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીને બેઠકો આપવાના મૂડમાં નથી.
આ 5 બેઠકો પર સપા-કોંગ્રેસના ઉમેદવારો સામ-સામે
મધ્યપ્રદેશ વિધાનસભાની (1) ભાંડેરી (સુરક્ષિત) બેઠક પરથી કોંગ્રેસે ફૂલ સિં બરિયા તો સમાજવાદી પાર્ટીએ ડીઆર રાહુલને (2) રાજનગરમાં કોંગ્રેસે વિક્રમ સિંહ અને સપાએ બ્રિજગોપાલ પટેલ (3) બિજાવરમાં કોંગ્રેસે ચરણ સિંહ યાદવ, સપાએ ડૉ.મનોજ યાદવ (4) ચિતરંગી (સુરક્ષિત)માં કોંગ્રેસે માનિક સિંહ સામે સપાએ શ્રવણ કુમાર ગોંડ જ્યારે (5) કટંગી બેઠક પરથી કોંગ્રેસે બોધ સિંહ ભગત અને સમાજવાદી પાર્ટીએ મહેશ સહારેને સામ-સામે ઉતાર્યા છે.
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે (Election Commission) આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં 7 નવેમ્બર, છત્તીસગઢ (Chhattisgarh)માં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાન (Rajasthan)માં 23 નવેમ્બર, તેલંગણા (Telangana)માં 30 નવેમ્બરે અને મિઝોરમ (Mizoram)માં 7 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.