વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University) ખાતે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત શિક્ષણ અને શાસન ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પદવીદાન સમારોહમાં કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જ્યારે 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં દીકરીઓની સંખ્યા વધુ હોવા અંગે ખુશી વ્યક્ત કરતાં તેને બદલાતા અને સશક્ત ભારતની તસવીર ગણાવી હતી.
12,557 વિદ્યાર્થીઓને પદવી એનાયત
MS યુનિવર્સિટીના 75મા પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના હજારો વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે 229 PhD, 2,857 PG, 657 PG Diploma અને 8,814 UG સહિત કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 30 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
#LIVE | President #DroupadiMurmu addresses the 75th convocation ceremony of the Maharaja Sayajirao University of Baroda at Vadodara.#WATCH–https://t.co/QB4uFZpDGz pic.twitter.com/P6YbxLLWAL
— DD News (@DDNewslive) September 23, 2026
‘ગોલ્ડ મેડલ મેળવનારમાં દીકરીઓની સંખ્યા વધુ’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં દીકરીઓની સંખ્યા વધુ હોવી બદલાતા ભારતની તસવીર રજૂ કરે છે અને દેશમાં મહિલાઓની વધતી ભાગીદારીનો સંકેત આપે છે.
તેમણે કહ્યું કે દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે. વડોદરાની ધરતી પર સ્થાપના થઈ ત્યારથી MS યુનિવર્સિટી શિક્ષણ અને જ્ઞાનના પ્રસારની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
‘દેશ અને સમાજને લાભ થાય ત્યારે જ શિક્ષણ સાર્થક’
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ માત્ર વ્યક્તિગત સફળતા માટે નહીં પરંતુ દેશ અને સમાજના હિતમાં કરવા માટે પ્રેરણા આપી હતી.
તેમણે કહ્યું કે, “તમારું શિક્ષણ ત્યારે જ સાર્થક થશે, જ્યારે તેનો લાભ દેશ અને સમાજને થશે.”
રાષ્ટ્રપતિએ આજના સમયમાં થઈ રહેલા ઝડપી ટેક્નોલોજીકલ પરિવર્તનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહ્યું કે AI અનેક પ્રશ્નોના જવાબ અને ઉકેલ આપી શકે છે, પરંતુ આપણે તેને કેવા પ્રશ્નો પૂછીએ છીએ તે આપણા પર નિર્ભર છે.
વિકસિત ભારત માટે રાષ્ટ્રીય મૂલ્યો સાથે આગળ વધવા સંદેશ
રાષ્ટ્રપતિ મુર્મુએ વિદ્યાર્થીઓને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે આધુનિક ટેક્નોલોજી અને શિક્ષણની સાથે રાષ્ટ્રીય મૂલ્યોને પણ જાળવી રાખવા જરૂરી છે.
તેમણે યુવાનોને દેશના ઉજ્જવળ ભવિષ્યના મુખ્ય ભાગીદાર ગણાવતાં કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે અને યુવાનોના પ્રયાસોથી દેશ વધુ ઝડપથી આગળ વધી શકે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાનોને આપ્યો સંદેશ
પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રનિષ્ઠા કેળવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે યુવાનોને આત્મનિર્ભર ભારત અને 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સક્રિય રાષ્ટ્ર નિર્માતા તરીકે પોતાની ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું.
MBBSમાં હર્ષ ચોકસીને 10 ગોલ્ડ મેડલ
પદવીદાન સમારોહમાં મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થી હર્ષ ચોકસીને MBBS દરમિયાન ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ કુલ 10 ગોલ્ડ મેડલ મળ્યા હતા.
હર્ષ ચોકસીના જણાવ્યા અનુસાર તેમને સર્જરી, પીડિયાટ્રિક્સ, મેડિસિન, ENT, ઓપ્થેલ્મોલોજી, ગાયનેકોલોજી અને ફિઝિયોલોજી સહિતના વિષયોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મેડલ મળ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ મેળવવાની તકને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી.
હર્ષે જણાવ્યું કે અભ્યાસની સાથે ક્રિકેટમાં પણ તેમનો રસ રહ્યો છે. તેમની ટીમે 17થી વધુ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને 10થી વધુ ટુર્નામેન્ટ જીતી હતી. તેઓ અભ્યાસ ઉપરાંત સ્પોર્ટ્સ, ક્વિઝ અને અન્ય એક્સ્ટ્રા-કરિક્યુલર પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા છે.
પ્રિયા રાયને લો ફેકલ્ટીમાં 4 ગોલ્ડ મેડલ
ફેકલ્ટી ઓફ લોની વિદ્યાર્થીની પ્રિયા રાયને 4 ગોલ્ડ મેડલ મળ્યા હતા. તેમણે પોતાની સફળતાનો શ્રેય પરિવાર, ફેકલ્ટી, ડીન અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો હતો. પ્રિયા રાયે વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે સંદેશ આપતાં કહ્યું કે કેટલા કલાક વાંચો છો તેના કરતાં જે વાંચો છો તેને કેટલી સારી રીતે સમજો છો તે વધુ મહત્વપૂર્ણ છે.
તેમણે છેલ્લી ઘડીએ ગોખણપટ્ટી કરવાને બદલે શરૂઆતથી જ નિયમિત અભ્યાસ કરવા અને પરીક્ષામાં જવાબ સ્પષ્ટ રીતે રજૂ કરવા પર ભાર મૂક્યો હતો.
અલેફિયા ટીનવાલાને 5 ગોલ્ડ મેડલ
ફેકલ્ટી ઓફ કોમર્સની વિદ્યાર્થીની અલેફિયા ટીનવાલાને M.Com.માં ટેક્સેશન વિષયમાં 5 ગોલ્ડ મેડલ મળ્યા હતા. અલેફિયાએ જણાવ્યું કે તેઓ દરરોજ લગભગ 7થી 8 કલાક અભ્યાસ કરતાં હતાં. માસ્ટર્સની સાથે તેમણે સરકારી પરીક્ષાઓ અને UGC NETની તૈયારી પણ ચાલુ રાખી હતી.
તેમણે ભવિષ્યમાં MS યુનિવર્સિટીમાંથી જ ટેક્સેશનમાં PhD કરીને આગળ પ્રોફેસર તરીકે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
એન્જિનિયરિંગ બાદ સંસ્કૃતનો અભ્યાસ, મોહિતને 2 ગોલ્ડ મેડલ
સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી મોહિત સુનિલકુમાર જશવંતભાઈને વ્યાકરણ શાસ્ત્રમાં આચાર્ય (M.A.) માટે 2 ગોલ્ડ મેડલ મળ્યા હતા.
મોહિતનું મૂળ શિક્ષણ B.E. Mechanical છે. જોકે એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે સંસ્કૃતના અભ્યાસ તરફ વળવાનો નિર્ણય લીધો હતો અને લગભગ સાત વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે જણાવ્યું કે અગાઉ શાસ્ત્રી (B.A.)માં પણ તેમને બે ગોલ્ડ મેડલ મળ્યા હતા અને હવે આચાર્યમાં વધુ બે ગોલ્ડ મેડલ મળતાં તેઓ ગૌરવ અનુભવે છે.
રાષ્ટ્રપતિના પ્રોટોકોલને કારણે સ્ટેજ વ્યવસ્થામાં ફેરફાર
75મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રોટોકોલ મુજબ કેટલીક વ્યવસ્થાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ વખતે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ, EC સભ્યો અને BOMના સભ્યોને સ્ટેજ પર સ્થાન આપવાને બદલે સ્ટેજ સામેની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફેકલ્ટીના ડીન દ્વારા ડિગ્રી પાસ કરવાની પરંપરાગત પ્રક્રિયાના બદલે રજિસ્ટ્રાર દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી હતી. યુનિવર્સિટી સોન્ગ પણ રાષ્ટ્રપતિના પ્રસ્થાન બાદ વગાડવામાં આવ્યું હતું.
MS યુનિવર્સિટીના 75મા પદવીદાન સમારોહની યાદગાર ક્ષણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિને કારણે MS યુનિવર્સિટીનો 75મો પદવીદાન સમારોહ વિશેષ બન્યો હતો. એક તરફ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો, તો બીજી તરફ 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યા.
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને શિક્ષણ, ટેક્નોલોજી અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે આગળ વધીને પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજ અને દેશના વિકાસ માટે કરવાનો સંદેશ આપ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel