પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી બપોરે લગભગ 12 વાગ્યા સુધીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલિયન ખાતે પહોંચવાના છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના યુવાનો અને Gen Zમાં PM મોદીને નજીકથી જોવા અને તેમની સાથે સંવાદ કરવાનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે.
કાલા ઘોડા સર્કલ પર Gen Zએ ગરબાની રમઝટ બોલાવી
PM મોદીના સ્વાગત માટે 1,000થી વધુ Gen Z યુવાનો કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં જ વડોદરાના જાણીતા કાલા ઘોડા સર્કલ પર ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ઢોલના ધબકાર વચ્ચે મોટી સંખ્યામાં યુવાનો ગરબે ઘૂમ્યા હતા.
યુવાનોના ઉત્સાહના કારણે કાલા ઘોડા સર્કલ જાણે ગરબાનું કેન્દ્ર બની ગયું હતું. PM મોદીના આગમનને લઈને યુવાઓ સૂત્રોચ્ચાર કરતા અને ગરબાની રમઝટ માણતા જોવા મળ્યા હતા.
MSUના વિદ્યાર્થીઓમાં PM મોદીને લઈને ભારે ઉત્સાહ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા છે. યુવાનોમાં PM મોદીની એક ઝલક મેળવવા અને તેમનું સંબોધન સાંભળવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
કાર્યક્રમમાં આવેલા યુવાનોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી PM મોદીની રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને તેમની ભાષણ આપવાની આગવી શૈલી તેમને ખૂબ પસંદ છે.
MSU કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે પણ યુવાનોમાં જોવા મળતા ઉત્સાહ અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં જોડાવા માટે એટલો મોટો પ્રતિસાદ મળ્યો છે કે સ્થાન મર્યાદિત હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન પણ કરાવી શક્યા નથી.
તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં PM મોદી ફરી વડોદરા આવે ત્યારે વધુ વિશાળ ડોમ અને વધુ ક્ષમતાવાળી વ્યવસ્થા કરવામાં આવે, જેથી વધારેમાં વધારે યુવાનો કાર્યક્રમનો ભાગ બની શકે.
હેડસેટ સાથે યુવાનોને સંબોધશે PM મોદી
આ કાર્યક્રમની સૌથી ખાસ બાબત PM મોદીની યુવાનો સાથે સંવાદ કરવાની નવી શૈલી રહેશે. પરંપરાગત સ્ટેજ પરથી ભાષણ આપવાના બદલે PM મોદી ખાસ તૈયાર કરવામાં આવેલા રેમ્પ પરથી ચાલીને યુવાનોની નજીક પહોંચશે.
PM મોદી હેડસેટનો ઉપયોગ કરીને યુવાનો સાથે સીધો સંવાદ કરશે. રેમ્પની બંને તરફ યુવાનો અને યંગ પ્રોફેશનલ્સને બેસાડવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ પ્રધાનમંત્રીને નજીકથી સાંભળી શકે.
PM મોદી માટે ખાસ રેમ્પ અને સેલ્ફી પોઇન્ટ
કાર્યક્રમ સ્થળે યુવાનોને ધ્યાનમાં રાખીને અનેક નવીન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. PM મોદીના વોક માટે ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. આ રેમ્પ યુવાનોની બેઠક વ્યવસ્થાની નજીકથી પસાર થશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં ખાસ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ઉપસ્થિત યુવાનો માટે PM મોદીની મુલાકાતને યાદગાર બનાવવાના હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વડોદરામાં યુવા શક્તિ બનશે કાર્યક્રમનું કેન્દ્ર
સમગ્ર કાર્યક્રમમાં યુવાનોની ભાગીદારી મુખ્ય આકર્ષણ બની છે. એક તરફ પરંપરાગત ગરબાના તાલે યુવાઓ વડોદરાની સાંસ્કૃતિક ઓળખ રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ આધુનિક પ્રેઝન્ટેશન, હેડસેટ સંવાદ, રેમ્પ અને સેલ્ફી પોઇન્ટ દ્વારા કાર્યક્રમને Gen Z સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
PM મોદીના આગમન પહેલાં જ વડોદરામાં સર્જાયેલો યુવાનોનો ઉત્સાહ કાર્યક્રમને વિશેષ બનાવતો જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વડોદરા અને નવસારીની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને લઈને બંને શહેરોમાં વહેલી સવારથી જ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વડોદરામાં PM મોદીના સ્વાગતને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વડાપ્રધાનના આગમન પહેલાં શહેરમાં લોકો ગરબે ઘૂમ્યા હતા, જ્યારે યુવા પેઢી અને ખાસ કરીને Gen-Zમાં પણ PM મોદીને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં રેલવે, હાઇવે, બ્રિજ, પાણી પુરવઠો, શહેરી વિકાસ અને ઊર્જા સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
1,100 બહેનો કળશ સાથે કરશે PM મોદીનું સ્વાગત
નવસારીમાં PM મોદીના સ્વાગત માટે પરંપરાગત આયોજન કરવામાં આવ્યું છે. આશરે 1,100 બહેનો પરંપરાગત વેશભૂષામાં કળશ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે.
આ ઉપરાંત આશરે 500 પુરુષો ડમરુ વગાડીને વડાપ્રધાનનું અભિવાદન કરશે. નમો કમલમ પરિસરમાં 30 બહેનો ઢોલ-ત્રાંસા સાથે પરંપરાગત વાદન કરશે.
આ ભવ્ય સ્વાગતને લઈને નવસારીમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવનિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરશે
નવસારી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત અને અત્યાધુનિક ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરશે.
લોકાર્પણ બાદ વડાપ્રધાન કાર્યાલયના વિવિધ વિભાગોની મુલાકાત લેશે. તેમાં મુખ્ય કાર્યાલય, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઇબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્યની કેબિનનો સમાવેશ થાય છે.
PM મોદી પંડિત દિનદયાળ મીટિંગ હોલ, શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની પણ મુલાકાત લેશે.
નવસારીમાં આશરે 2,000 જવાનોનો સુરક્ષા બંદોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને નવસારીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ સહિત આશરે 2,000 જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે.
વડોદરાથી નવસારી સુધી વડાપ્રધાનના સમગ્ર પ્રવાસ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel