કાશ્મીરના શ્રીનગરમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 11 લોકો સવાર હતા અને તેમાં 5 સ્કૂલના બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 7 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી બટવારા જાય છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે આ બોટ પલટી ગઈ હતી અને આ દુર્ઘટના ઘટી હતી.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કર્યો
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રીનગરમાં બોટ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. જારી કરાયેલા સંદેશમાં તેમણે કહ્યું છે કે, દુર્ઘટનામાં થયેલા લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમને આ અપાર ક્ષતિને સહન કરવાની શક્તિ આપે. એસડીઆરએફ, સેના અને અન્ય એજન્સીઓની ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.